GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બે સંબંધોમાંથી બે સંતાનોની માતાને અભયમની સમજાવટથી મળ્યું કાયમી આશ્રય, પરિવાર સાથે સમાધાન
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

બે અલગ-અલગ સંબંધોમાંથી બે સંતાનોની માતા બનેલી અને કાયદેસર લગ્ન વિના લિવ-ઇન સંબંધમાં રહેતી મહિલા નાની-નાની બાબતોમાં સાથી તથા તેના પરિવાર સાથે વિવાદ થતાં વારંવાર ઘર છોડીને રેન બસેરામાં રહેવા જતી હતી. 181 અભયમની ટીમે બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી પરસ્પર સમાધાન કરાવતાં મહિલા ફરી પોતાના સાથી અને તેના પરિવાર સાથે રહેવા રાજી થઈ હતી. પરિણામે મહિલા અને તેના બંને સંતાનોને હવે રેન બસેરાને બદલે કાયમી રહેઠાણનો સહારો મળ્યો છે.
એક સબંધથી 4 વર્ષનું,બીજા સબંધથી 3 મહિના નું બાળક થયું
અમદાવાદ પૂર્વમાંથી મહિલાનો કોલ મળતા કાઉન્સેલિંગ માટે પહોંચેલી અભયમ ટીમને મહિલાએ જણાવ્યું કે મારી ઉંમર 30 છે ,પરંતુ કાયદેસર લગ્ન કર્યા નથી. તેઓ અગાઉ એક સંબંધમાં રહેતા હતા, જેમાંથી ચાર વર્ષનો પુત્ર છે. પ્રથમ સાથીનું બીમારીના કારણે અવસાન થતાં બાળકને પિતાનો પ્રેમ મળે તે હેતુથી તેઓ બીજા સંબંધમાં રહ્યા. આ દરમિયાન તેમને ત્રણ મહિનાનું બીજું બાળક થયું હતું.
વારંવાર ઘર છોડીને રેન બસેરામાં રહેવા જાય છે તે નાપસંદ છે
પતિએ જણાવ્યું કે પત્ની નાની-નાની વાતમાં રિસાઈને ત્રણ મહિનાના બાળકને મૂકીને વારંવાર ઘર છોડીને રેન બસેરામાં રહેવા જતા હતા. અગાઉ બાળકને સાથે લઈ ગયા ત્યારે બાળકની તબિયત પણ બગડી હતી. તેથી બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ બાળક પોતાની પાસે રાખ્યો હોવાનું જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે તેઓ મહિલાને સાથે રાખવા અને તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર છે, પરંતુ મહિલા વારંવાર ઘર છોડી દે છે તે નાપસંદ છે. મહિલાએ વધુમાં જણાવ્યું કે તેમને સાસુ-સસરા દ્વારા અપમાનજનક શબ્દો સાંભળવા પડતા હોવાથી તેઓ અલગ રહેવા ઇચ્છે છે. જોકે પતિએ જણાવ્યું કે તેઓ માતા-પિતાથી અલગ મકાનના ઉપરના માળે રહે છે.
અભયમએ સમજણ આપતા સમાધાન થયું
અભયમની ટીમે મહિલા, તેમના પતિ તેમજ સાસુ-સસરાનું કાઉન્સેલિંગ કરીને પરસ્પર માન-સન્માન જાળવવા, અપશબ્દોનો ઉપયોગ ન કરવા, નાની બાબતોમાં ઘર છોડીને ન જવા તેમજ બાળકના હિતને પ્રથમ પ્રાથમિકતા આપવા સમજાવ્યું હતું. બંને પક્ષને તેમના કાયદાકીય અધિકારો અંગે માહિતી આપી યોગ્ય સલાહ-સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.અંતે બંને પક્ષોએ એકબીજાની લાગણીઓ સમજી ભવિષ્યમાં સંયમ અને સમજદારીથી પરિવારજીવન જીવવાની ખાતરી આપતાં અભયમની મધ્યસ્થીથી મામલો સુખદ સમાધાન સાથે પૂર્ણ થયો.
