મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પતિ મારઝૂડ કરતા, એક સંતાનની માતા, એક સંતાનના પિતાના પ્રેમમાં પડી, પ્રેમી સાથે ભાગી જવા મામાના ઘેર આવતા મામાએ અભયમની મદદ લીધી

પતિ મારઝૂડ કરતા, એક સંતાનની માતા, એક સંતાનના પિતાના પ્રેમમાં પડી, પ્રેમી સાથે ભાગી જવા મામાના ઘેર આવતા મામાએ અભયમની મદદ લીધી — ફોટો 1

પશ્ચિમ બંગાળની એક પરિણીત મહિલા પોતાના પતિ દ્વારા વારંવાર મારપીટ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરી પોતાની 10 વર્ષની દીકરી સાથે અમદાવાદ આવી પહોંચી હતી. છેલ્લા બે વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા એક પરિણીત યુવક સાથે રહેવા માટે ઘર છોડીને આવતાં મામાએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

 પતિ મારઝૂડ કરતા પત્ની પરિણીત પુરુષના પ્રેમમાં પડી

    181 અભયમની ટીમ સ્થળ પર પહોંચી મહિલાની વાત સાંભળી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિ દ્વારા સતત મારપીટ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક પરિણીત યુવક સાથે મિત્રતા થઈ હતી, જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. યુવક પણ પરિણીત છે અને તેને એક સંતાન છે. પતિના ત્રાસથી કંટાળીને મહિલા પોતાની દીકરી સાથે અમદાવાદ આવી ગઈ હતી.

   પતિએ છુટાછેડા આપવાની ના પાડી, મરજી મુજબ રહેવા છૂટ આપી

   મહિલાએ પોતાના પતિને ફોન કરીને જણાવ્યું હતું કે તે અન્ય વ્યક્તિ સાથે આવી ગઈ છે અને છૂટાછેડા ઇચ્છે છે. જોકે પતિએ છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેણીને પોતાની ઇચ્છા મુજબ રહેવાની છૂટ આપી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.

 પ્રેમીની પત્નીએ મામાને ઠપકો આપ્યો

   બીજી તરફ, મહિલાના પ્રેમીની પત્નીને સમગ્ર ઘટનાની જાણ થતાં તેણે મહિલાના મામાને ઠપકો આપ્યો હતો. જેના કારણે ગભરાયેલા મામાએ મધરાતે લગભગ ત્રણ વાગ્યે 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરી કાઉન્સેલિંગ માટે મદદ માંગી હતી.

અભયમે માર્ગદર્શન આપ્યું કે છુટાછેડા વગર સાથે ન રહેવાય

     અભયમ ટીમે બંનેનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું હતું કે બંને હજુ કાયદેસર રીતે પોતાના જીવનસાથીથી અલગ થયા નથી. તેથી સાથે રહેવાના નિર્ણયના કાયદાકીય તેમજ સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રેમીની પત્ની અને સંતાનના હિતોને પણ ધ્યાનમાં રાખવાની સમજ આપવામાં આવી હતી.કાઉન્સેલિંગ દરમિયાન મહિલા અને તેનો પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં ભાવુક બની ગયા હતા. જોકે બંનેના કાયદેસર છૂટાછેડા ન થયા હોવાથી અભયમ ટીમે તેમને કાયદાકીય પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. ત્યારબાદ મહિલાની સુરક્ષા અને તેની 10 વર્ષની દીકરીના હિતને ધ્યાનમાં રાખીને બંનેને અસારવા સ્થિત વન સ્ટોપ સેન્ટરમાં અસ્થાયી આશ્રય માટે મોકલવામાં આવ્યા હતા.