GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
80 વર્ષીય વૃદ્ધ માતાની દારૂનો વ્યસની દીકરો સંભાળ નહિ રાખતા અભયમની મદદથી રેન બસેરામાં આશ્રય મેળવ્યો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદના પશ્ચિમ માંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનને એક વૃદ્ધ માતાનો કોલ મળ્યો હતો. મહિલાએ પોતાને કોઈ સામાજિક સંસ્થામાં રહેવાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી હતી. કોલ મળતા જ 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
દારૂનો વ્યસની પુત્ર 80 વર્ષીય માતાને રાખતો નથી
કાઉન્સેલિંગ દરમિયાન આશરે 80 વર્ષીય વૃદ્ધાએ જણાવ્યું હતું કે તેમના પાંચ દીકરા અને એક દીકરી છે, જેમાંથી ચાર દીકરાના અવસાન થઈ ચૂક્યા છે. હાલ જીવિત એકમાત્ર દીકરો દારૂના વ્યસનના કારણે પોતાની રીતે રહે છે અને તેમની સંભાળ રાખતો નથી. વૃદ્ધા અગાઉ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ વધતી ઉંમરના કારણે હવે કામ કરવું શક્ય બનતું નથી.
દીકરી રાખતી હતી છતાં વૃદ્ધ માતા જવા તૈયાર ન હતા
વૃદ્ધા હાલમાં પોતાની દીકરી સાથે રહેતા હતા. દીકરી આખો દિવસ કામ પર જતી હોવાથી વૃદ્ધા એકલા રહેતા હતા. દીકરીએ તેમને આશરો આપ્યો હોવા છતાં ક્યારેક થતી બોલાચાલી અને માનસિક વ્યથાના કારણે વૃદ્ધાએ ત્યાં રહેવાની ના પાડી હતી. 181ની ટીમે દીકરી સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. દીકરીએ માતાને પોતાની પાસે જ રાખવાની તૈયારી દર્શાવી હતી, છતાં વૃદ્ધા ઘરે પરત જવા તૈયાર નહોતા અને રડી પડ્યા હતા.
અભયમે રેન બસેરા મા આશ્રય અપાવ્યો
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 181ની ટીમે વૃદ્ધાને સેવા સંસ્થા વિશે સમજાવ્યું. વૃદ્ધાની સંમતિ બાદ પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ કરાવીને સામાજિક સેવા સંસ્થાના રેન બસેરા ખાતે આશ્રય અપાવવામાં આવ્યો હતો.આશ્રય મળતાં વૃદ્ધા ભાવુક બની ગયા હતા અને 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. 181 અભયમની સમયસરની મદદથી એક નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત આશરો મળતાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.
