GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વારંવાર ભાન ભૂલતી 3 સંતાનની માતાને, પતિએ કાઢી મુકતા પત્નીએ અભયમની મદદ લેતા પતિ રાખવા તૈયાર થયો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

વારંવાર ભાન ભૂલીને ઘરેથી બહાર નીકળી જતી ત્રણ સંતાનની માતાથી કંટાળી પતિએ પત્નીને સાથે રાખવાનો ઇનકાર કરતાં મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમ ટીમે બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી પતિને જવાબદારીનું ભાન કરાવતા આખરે તેમણે લેખિત બાંહેધરી આપી પત્નીને ફરીથી સાથે રાખવા સંમતિ દર્શાવી હતી.
મહિલાના કોલના આધારે 181 અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેમના લગ્નને આઠ વર્ષ થયા છે અને તેમને બે દીકરી તથા એક દીકરો છે. તેઓ ક્યારેક ભાન ભૂલી જતા હોવાથી અજાણતા ઘરેથી બહાર નીકળી જાય છે. આ બાબતે તેમના પતિ અવારનવાર તેમને હેરાનગતિનો આક્ષેપ કરી સાથે રાખવાની ના પાડતા હતા. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિ નશાની હાલતમાં ઘરે આવી તેમની સાથે મારઝૂડ કરતા હતા.
જીવન સાથીને ત્યજી દેવાને બદલે સંવેદનશીલતા દાખવવી જોઈએ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અભયમ ટીમે પતિ સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. ટીમે સમજાવ્યું હતું કે લગ્નજીવનમાં પતિ-પત્ની બંનેએ એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપવાની જવાબદારી હોય છે. જ્યારે જીવનસાથીને સહારા અને સમજણની જરૂર હોય ત્યારે તેને ત્યજી દેવાને બદલે યોગ્ય સહકાર અને સંવેદનશીલતા દાખવવી જરૂરી છે. સાથે જ દંપતીને કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતગાર કરી પરિવાર પ્રત્યેની ફરજોનું ભાન કરાવવામાં આવ્યું હતું.
અભયમની સમજાવટ બાદ પત્નીને રાખવા તૈયાર થયો
અભયમ ટીમની સમજાવટ બાદ પતિને પોતાની જવાબદારી સમજાઈ હતી. ત્યારબાદ તેમણે લેખિતમાં બાંહેધરી આપી હતી કે તેઓ પત્નીને શાંતિપૂર્વક ઘરમાં રાખશે, ભવિષ્યમાં ઘરમાંથી નીકળી જવાનું નહીં કહે અને તેમના માન-સન્માનને ઠેસ પહોંચે તેવા શબ્દોનો ઉપયોગ પણ નહીં કરે.અભયમ ટીમના માર્ગદર્શન અને કાઉન્સેલિંગના પરિણામે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. અંતે પતિએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવી સ્થિતિ સર્જાય નહીં તેની જવાબદારી સ્વીકારી હતી.
