મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી

ચોમાસાની ઋતુમાં મલેરિયા, ડેન્ગ્યુ જેવી વાહકજન્ય બીમારીઓનો ફેલાવો ન થાય તે માટે ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સતર્કતા દાખવવામાં આવી છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુરેશ વી. આમલિયારના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મલેરિયા અધિકારી ડો. અતીત ડામોરની સૂચના મુજબ, સમગ્ર તાલુકામાં સઘન સર્વેલન્સ અને લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ઘરે-ઘરે તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા તાલુકાના તમામ ગામડાઓ અને ફળિયાઓમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા નીચે મુજબની બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.   પાણીનો નિકાલ: મચ્છરોના ઉત્પત્તિ સ્થાન અટકાવવા માટે કુલર, ફ્રીઝની ટ્રે, ટાયર, ફૂલદાની, માટલા, પાણીના ટાંકા અને હોજમાં ભરાયેલું જૂનું પાણી ખાલી કરી સાફ-સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી છે.   નિવારક પગલાં: મચ્છરદાનીનો ઉપયોગ કરવા તથા જરૂર જણાય ત્યાં દવાનો છંટકાવ કરવા વિશે લોકોને સમજ આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય તપાસ: બહારગામથી આવતા-જતા લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.   જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ કરવામાં આવી    આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વાહકજન્ય રોગોથી બચવા માટે સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે જનજાગૃતિ માટે ખાસ માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, જેથી ગ્રામજનો રોગોના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર થાય.   આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોઈપણ પ્રકારના તાવ કે બિમારીના લક્ષણો જણાતા તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.