મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ફતેપુરા તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ સંપન્ન: પ્રમુખ તરીકે અલ્પાબેન ડામોર અને ઉપપ્રમુખ તરીકે સરલાબેન પારગીએ કાર્યભાર સંભાળ્યો

ફતેપુરા તાલુકા પંચાયતમાં અલ્પાબેન પંકજ ડામોરે નવનિયુક્ત પ્રમુખ તરીકે અને સરલાબેન કનુ પારગીએ ઉપપ્રમુખ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો છે. આ પદગ્રહણ સમારંભ ધાર્મિક વિધિ અને શુભ મુહૂર્ત સાથે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પૂજા-અર્ચના સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રી રમેશ કટારા, પ્રદેશ મંત્રી શંકર આમલીયાર જિલ્લા સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.

  પદગ્રહણ બાદ પોતાના સંબોધનમાં પ્રમુખ અલ્પાબેન પંકજ ડામોર અને ઉપપ્રમુખ સરલાબેન કનુભાઈ પારગીએ જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોનો સમાન અને સંતુલિત વિકાસ તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. તેમણે કોઈપણ પ્રકારના દ્વેષભાવ, વેરઝેર કે ભેદભાવ વગર વિકાસના કાર્યો કરવાની ખાતરી આપી હતી.   તેમણે પક્ષ કે વિપક્ષના ભેદભાવ વિના તમામ જનપ્રતિનિધિઓ અને નાગરિકોને સાથે રાખી તાલુકાના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની બાંહેધરી વ્યક્ત કરી હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખના પદગ્રહણને લઈને ભાજપના કાર્યકર્તાઓ તેમજ તાલુકાના નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ નવી ટીમના નેતૃત્વ હેઠળ તાલુકામાં વિકાસના નવા આયામો સર્જાશે તેવી આશા વ્યક્ત કરી હતી.