GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
દાહોદ વોર્ડ નં. ૬ માં વીજ સંકટ: કાયમી ઉકેલની માંગ સાથે કાઉન્સિલરોના પ્રતિનિધિમંડળે MGVCL ને આવેદન આપ્યું
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા દાહોદ, દાહોદપ્રકાશિત :
ફોટો 1 / 4
દાહોદ શહેરના વોર્ડ નં. ૬ ના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાની અનિયમિતતા અને વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાને કારણે નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરશ્રી માસુમાબેન ગરબાડાવાલા, એહમદભાઈ ચાંદ અને અરબાઝભાઈ સાજી દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
અન્ય વોર્ડના કાઉન્સિલરોનું સમર્થન
વોર્ડ નં. ૬ માં વારંવાર સર્જાતા વીજ સંકટનો કોઈ ઉકેલ ન આવતા, આ ત્રણેય કાઉન્સિલરોએ અન્ય વોર્ડના કાઉન્સિલરોને સાથે રાખીને એક મજબૂત પ્રતિનિધિમંડળ તૈયાર કર્યું હતું. આ પ્રતિનિધિમંડળે આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના કાર્યપાલક ઈજનેરને રૂબરૂ મળીને ગંભીર રજૂઆત કરી હતી.
તંત્રની બેદરકારી સામે રોષ
કાઉન્સિલરોએ રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, "નગરજનો વારંવાર વીજ કાપ અને મેઇન્ટેનન્સના નામે થતી હેરાનગતિથી પીડાઈ રહ્યા છે. દર મંગળવારે મેઇન્ટેનન્સના નામે કલાકો સુધી લાઈટ કાપવામાં આવે છે, તેમ છતાં ટ્રાન્સફોર્મરમાં ઓવરલોડિંગ, સ્પાર્કિંગ અને ફોલ્ટની સમસ્યા યથાવત રહે છે. યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે અને તંત્રની ઉદાસીનતાને કારણે સ્થાનિકોએ આકરી ગરમીમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે."
શું માંગ કરી?
આવેદન પત્ર દ્વારા કાઉન્સિલરોએ માંગ કરી છે કે, તાત્કાલિક ધોરણે ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવામાં આવે, જૂની સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવે અને ફરિયાદ નિવારણ માટે જવાબદાર અધિકારીઓને સક્રિય કરવામાં આવે.
આ રજૂઆત બાદ હવે વીજ કંપનીનું તંત્ર શું નક્કર પગલાં લે છે, તે જોવું રહ્યું. સ્થાનિક નગરજનો અને કાઉન્સિલરોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે




