મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સંજેલી તાલુકાના ચમારિયા ગામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો: મોટી જાનહાનિ ટળી

સંજેલી તાલુકાના ચમારિયા ગામના વેડ ફળિયા વિસ્તારમાં આજે અચાનક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે મુખ્ય રસ્તો બ્લોક થઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તાની બાજુમાં આવેલ એક મોટું ઝાડ અચાનક વચ્ચેના ભાગમાં પડી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. રસ્તા પર ઝાડ આવી જવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ કે ઇજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.   ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોના સહકાર અને વહીવટી તંત્રની ત્વરિત કામગીરી બાદ ધરાશાયી થયેલા વૃક્ષને રસ્તા પરથી ખસેડી માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.   ચોમાસાની સીઝન શરૂ થતાં જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો જોવા મળે છે. આ બાબતે ગંભીરતા દાખવીને ચમારિયા ગામના ગ્રામજનોએ માંગ કરી છે કે, વહીવટી તંત્ર દ્વારા રસ્તાની આસપાસ આવેલા જોખમી અને સુકાઈ ગયેલા વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે. અગાઉથી જ જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને નિવારી શકાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.