મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

દાહોદ પોલીસની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ખોવાયેલા 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા

સુખસર, તા. ૩૧/૦૫/૨૦૨૬

દાહોદ જિલ્લામાં ચોરીમાં ગયેલા તેમજ ખોવાયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સના માધ્યમથી શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવા અંગે મળેલ સૂચનાઓના અનુસંધાને સુખસર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. મહે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધી ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ) તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા (દાહોદ) નાઓની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ (ઝાલોદ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ સુખસર પોલીસ સ્ટેશનની ટેકનિકલ ટીમ કાર્યરત હતી.   આ કામગીરી અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એમ.એમ. રાઠોડના નેતૃત્વમાં ટેકનિકલ ટીમે ભારત સરકારના "CEIR" પોર્ટલનો ઉપયોગ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ ટીમે ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા અથવા ચોરીમાં ગયેલા કુલ ૪ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. આ મોબાઈલ ફોનની અંદાજિત કિંમત રૂ. ૧,૫૮,૯૯૭ થાય છે.   આજે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત સુખસર પોલીસ દ્વારા આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને રૂબરૂ બોલાવી પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસની આ સેવાકીય ભાવનાને પગલે લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે અને "પોલીસ પ્રજાની મિત્ર છે" તે સૂત્રને સુખસર પોલીસે સાર્થક કરી બતાવ્યું છે.   આ સફળ કામગીરીમાં સામેલ ટીમ:   આ કામગીરીમાં પી.આઈ. શ્રી એમ.એમ. રાઠોડ, પો.સ.ઈ. શ્રી એમ.કે. દામા, આઈ.ટી. એક્સપર્ટ ડેઈઝીબેન સંગાડા, એ.એસ.આઈ. વિષ્ણુભાઈ ગોરજીભાઈ, હેડ કોન્સ્ટેબલ પિન્ટુભાઈ સુભાષભાઈ તથા એલ.આર.ડી. અક્ષયભાઈ ચુનીલાલની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.