મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કંપનીએ યુવતીને 1 મહિનો જોબ કરાવી 3 મહિના સુધી પગાર નહિ આપતા અભયમ બોલાવતા પગાર આપ્યો

કંપનીએ યુવતીને 1 મહિનો જોબ કરાવી 3 મહિના સુધી પગાર નહિ આપતા અભયમ બોલાવતા પગાર આપ્યો — ફોટો 1

   અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક યુવતીએ એક મહિના સુધી નોકરી કર્યા બાદ પણ ત્રણ મહિના સુધી પગાર ન મળતા અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમ ટીમની મધ્યસ્થતાથી કંપનીએ યુવતીનો બાકી રહેલો રૂ. 14,000નો પગાર ચૂકવ્યો હતો તેમજ થયેલા અયોગ્ય વર્તન બદલ માફી પણ માંગી હતી.

     કામ વધુ પગાર ઓછો,જોબ છોડી તો પગાર ન આપ્યો

   યુવતીનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે યુવતીએ  ત્રણ મહિના અગાઉ એક ખાનગી કંપનીમાં એક મહિના સુધી નોકરી કરી હતી. કામના પ્રમાણમાં રૂ. 14,000નો પગાર ઓછો હોવાનું જણાતા યુવતીએ કંપની સમક્ષ પગાર વધારો કરવાની માંગણી કરી હતી. કંપનીએ પગાર વધારવાનો ઇનકાર કરતાં યુવતીએ નોકરી છોડી દીધી હતી. જોકે નોકરી છોડ્યા બાદ પણ ત્રણ મહિના સુધી કંપનીએ તેનો પગાર ચૂકવ્યો ન હતો. યુવતીના જણાવ્યા અનુસાર પગાર અંગે પૂછપરછ કરવા માટે સંપર્ક કરતા કંપની તરફથી અપશબ્દો બોલવામાં આવતા હતા.

     નોકરી છોડવાની સ્વતંત્રતા :- અભયમ

આથી યુવતીએ અભયમની મદદ માગી હતી. અભયમ ટીમે કંપનીના એચ.આર. વિભાગ સાથે બેઠક કરી કર્મચારી દ્વારા કરવામાં આવેલા કામના વળતરરૂપે પગાર ચૂકવવાની કાનૂની અને નૈતિક જવાબદારી અંગે સમજાવ્યું હતું. તેમજ કોઈપણ કર્મચારીને અન્યત્ર નોકરી કરવાની કે નોકરી છોડવાની સ્વતંત્રતા હોવાની બાબત પણ સ્પષ્ટ કરી હતી.

     રાજીનામુ આપતા પગાર આપ્યો

   ચર્ચા દરમિયાન એચ.આર. મેનેજરે યુવતી રાજીનામું આપે તો પગાર ચૂકવવા સંમતિ દર્શાવી હતી. ત્યારબાદ યુવતીએ રાજીનામું આપતા કંપનીએ રૂ. 14,000નો બાકી પગાર ચૂકવ્યો હતો. સાથે જ યુવતી સાથે થયેલા અયોગ્ય વર્તન બદલ માફી માંગતા સમગ્ર મામલો સુખદ રીતે ઉકેલાયો હતો.