GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
11 વર્ષથી પિયરમાં પિતા સાથે રહેતી બહેનને, નશાખોર ભાઈએ કાઢી મુકી, અભયમ આવતા નશો ઉતરી ગયો ભાઈએ માફી માંગી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

પતિ સાથે મનમેળ ન રહેતા છેલ્લા 11 વર્ષથી પિયરમાં પિતા સાથે રહેતી મહિલાને તેના નશાની લત ધરાવતા ભાઈએ નશો કરીને ઘરમાંથી નીકળી જવા કહેતા મહિલાએ અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. ઘટનાની જાણ થતાં અભયમ ટીમ તાત્કાલિક મહિલાના નિવાસસ્થાને પહોંચી હતી.
11 વર્ષથી પિયરમાં પિતા સાથે રહું છું, નસેડી ભાઈએ ઘરમાંથી નીકળી જવા કહ્યું
મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે લગ્નજીવનમાં મનમેળ ન રહેતા તે છેલ્લા 11 વર્ષથી પિયરમાં પિતા સાથે રહે છે. આ દરમિયાન પતિ કે સાસરિયાઓએ તેને તેડવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. મહિલાના પિતા તેના જીવનનિર્વાહની જવાબદારી સંભાળી રહ્યા છે. દરમિયાન નશો કરીને ઘરે આવેલા ભાઈએ મહિલાને ઘરની બહાર નીકળી જવા કહેતા તેણીએ અભયમની મદદ માગી હતી.
અભયમ ઘેર આવતા ભાઈનો નશો ઉતરી ગયો, માફી માગી બાંહેધરી આપી
અભયમ ટીમે મહિલાના ભાઈનું કાઉન્સેલિંગ કરી તેને તેના વર્તન અંગે સમજણ આપી હતી તેમજ જરૂરી કાયદાકીય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અભયમ ટીમના આગમન બાદ ભાઈનો ગુસ્સો અને નશો બંને ઉતરી ગયા હતા. પોતાની ભૂલ સમજાતા તેણે બહેનની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવું વર્તન ફરી નહીં કરે તેવી લેખિત બાંહેધરી આપી હતી.
