મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

દીકરી પર વારંવાર દુષ્કર્મ કરી વીડિયો વાયરલની ધમકી આપતા, માતાએ અભયમ બોલાવી, પોકસો હેઠળ ગુનો દાખલ

દીકરી પર વારંવાર દુષ્કર્મ કરી વીડિયો વાયરલની ધમકી આપતા, માતાએ અભયમ બોલાવી, પોકસો હેઠળ ગુનો દાખલ — ફોટો 1

     અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક વર્ષ પૂર્વે સગીરાને બે યુવકોએ કારમાં અપહરણ કરી અજાણ્યા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરી ઘટનાનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની તેમજ પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરતા પીડિતાની માતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેતા બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

 દુષ્કર્મ આચરી વિડિઓ ઉતારી વાયરલ ની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

      એક વર્ષ પૂર્વે અમદાવાદ પૂર્વની સગીરાને તેમની સોસાયટી નજીક આવનજાવન કરતા બે યુવકો સાથે ઓળખાણ થઈ હતી. એક દિવસ બંને યુવકોએ યુવતીને ધમકાવી કારમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. રસ્તામાં કોઈ પીણું પીવડાવતા યુવતી અર્ધબેહોશ જેવી સ્થિતિમાં આવી ગઈ હતી. ભાનમાં આવ્યા બાદ સગીરા એક હોટેલમાં હોવાનું અને બંને યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું યુવતીએ જણાવ્યું હતું. એટલુંજ આરોપીઓએ ઘટનાનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી , પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતીને સતત ડર હેઠળ રાખી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પણ બંને યુવકો દ્વારા યુવતી અને તેના પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

    ધમકીથી ડરી ગયેલ પરિવારે હિંમત કરી અભયમ બોલાવી

    ધમકીઓના કારણે અત્યાર સુધી ચૂપ રહેલી યુવતીની માતાએ હિંમત કરીને 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમ યુવતીના ઘરે પહોંચી કાઉન્સેલિંગ કર્યું હતું અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. જોકે યુવતીને તેને કઈ હોટેલમાં લઈ જવામાં આવતી હતી તેની ચોક્કસ માહિતી ન હોવાનું જાણવા મળ્યું હતું.

બંને યુવાઓ વિરુદ્ધ પોકસો હેઠળ ફરિયાદ

       ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અભયમ ટીમ પીડિતા અને તેના માતા-પિતાને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં યુવતીના નિવેદનના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે પોક્સો (POCSO) એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.