GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
માતાને રસોડામાં મદદ કરવાનું બહેનને કહેનાર ભાઈ પાછળ બહેન કાતર લઈ હુમલો કરવા દોડી, માતાએ અભયમ બોલાવી દીકરાનો જીવ દીકરીની સગાઈ તૂટતી બચાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ ઉત્તર વિસ્તારમાં ભાઈ-બહેન વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલીનો મામલો હિંસક બનતા પરિવાર ભયભીત બન્યો હતો. ભાઈએ બહેનને પંખો બંધ કરી રસોડામાં માતાને મદદ કરવા કહેતા બહેનઉશ્કેરાઈ ગઈ હતી અને કાતર લઈને ભાઈ પર હુમલો કરવા દોડી હતી. ભાઈએ પાડોશીના ઘરમાં ઘૂસી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો.પરિવારજનોએ જણાવ્યું કે યુવતી સોસાયટીમાં પણ હોબાળો મચાવી રહી હતી અને ભાઈ બહાર નીકળે તો હુમલો કરવાની ધમકી સાથે કાતર લઈને ઉભી રહી હતી. માતાએ અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં યુવતી શાંત ન થતા અંતે અભયમની મદદ લેવામાં આવી હતી.
માતાએ દીકરાને કાતરથી અને દીકરીની સગાઈ તૂટતી બચાવવા અભયમ બોલાવી
કાઉન્સેલિંગ દરમિયાન માતાએ જણાવ્યું હતું કે યુવતી છેલ્લા અઢી વર્ષથી અસામાન્ય વર્તન કરી પરિવારને હેરાન કરતી હતી. માતા-પિતા અથવા ભાઈ કોઈ વાત કહે તો ઘરની મોંઘી વસ્તુઓ તોડી નાખતી હતી તેમજ અગાઉ આત્મહત્યાના પ્રયાસો પણ કર્યા હતા. વધુમાં યુવતીની બે મહિના પહેલાં જ સગાઈ થઈ હોવાનું અને ઘટનાના સમયે યુવતીએ સાસરીમાં ફોન કરી રડારડી અને બુમાબુમ શરૂ કરી હોવાનું પણ સામે આવ્યું હતું.
અભયમે સમજાવ્યું ભાઈને રાખડી બાંધી રક્ષણ કરાય કાતર ના મરાય
અભયમ ટીમે શાંતિપૂર્વક યુવતીને સમજાવ્યું કે ભાઈ-બહેનનો સંબંધ રક્ષણ અને પ્રેમનો હોય છે તથા માતા-પિતાનો આદર રાખવો જરૂરી છે. સાથે જ આવા ગુસ્સાખોર સ્વભાવથી સમાજમાં ખરાબ છાપ પડી સગાઈ તૂટી જવાની શક્યતા હોવાનું સમજાવાયું હતું.
સમજાવટ બાદ યુવતીએ હાથમાં રહેલી કાતર મૂકી દીધી હતી અને માતા-પિતા તેમજ ભાઈ પાસે માફી માંગી હતી. યુવતીએ ભવિષ્યમાં આવું વર્તન નહીં કરવાની ખાતરી આપતા મામલો શાંતિપૂર્ણ રીતે સમેટાયો હતો.
