GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમદાવાદના કોન્સ્ટેબલે હૈદરાબાદની યુવતી સાથે મિત્રતા કેળવી ચરસ ગાંજાની લત લગાડી, 2 વર્ષ દૂર ઉપયોગ કરી છોડી દેતા ભટકતી યુવતી માટે લોકોએ અભયમને જાણ કરી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ હૈદરાબાદથી આવી પીજીમાં રહેતી યુવતીને રિવરફ્રન્ટ પર કોન્સ્ટેબલ સાથેની ચાર વર્ષની મિત્રતા ભારે પડી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલ સાથે છેલ્લા ચાર વર્ષથી સંપર્કમાં રહેલી યુવતીને દારૂ, ચરસ તથા ગાંજાની લત લગાડવામાં આવી હોવાના આક્ષેપ વચ્ચે યુવતી માનસિક રીતે અસ્વસ્થ બનતા આખરે અભયમ નો સંપર્ક કરતા અભયમ ટીમે મદદ કરી તેને રેન બસેરામાં આશ્રય અપાવ્યો છે. પરિવારજનો હૈદરાબાદથી અમદાવાદ પહોંચ્યા બાદ યુવતીને તેમના કબજામાં સોંપવામાં આવશે.
કોન્સ્ટેબલ યુવતીને 4 વર્ષથી લઈ ફરતો ચરસના રવાડે ચઢાવી દુરુપયોગ કર્યો
મળતી માહિતી મુજબ મૂળ હૈદરાબાદની 31 વર્ષીય યુવતી છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં રહી પીજીમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામ કરતી હતી. દરમિયાન રિવરફ્રન્ટ પર ફરવા જતી વખતે તેની ઓળખાણ એક પોલીસ કોન્સ્ટેબલ સાથે થઈ હતી. યુવતીના જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ છેલ્લા બે વર્ષથી તેને ગાડીમાં ફરવા લઈ જતો અને દારૂ, ચરસ તથા ગાંજાનું સેવન કરાવતો હતો. બાદમાં તેણે યુવતી સાથે સંપર્ક તોડી નાખતા અને પૈસાની તંગી વચ્ચે નશો ન મળતા યુવતી માનસિક રીતે અસ્થિર બની ગઈ હતી.
માતાપિતા એટલુંજ જાણે છે દીકરી અમદાવાદમાં ખૂબ કમાય છે
રિવરફ્રન્ટ વિસ્તારમાં યુવતી છેલ્લા ચાર દિવસથી રસ્તા પર આમતેમ ભટકતી હાલતમાં જોવા મળતા લોકોએ 112 અને અભયમ હેલ્પલાઇનને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી અભયમ ટીમને યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે તેના માતા-પિતાને તેની હાલત અંગે કોઈ જાણ નહોતી અને પરિવારને લાગતું હતું કે દીકરી અમદાવાદમાં સારી નોકરી કરીને શાંતિથી રહે છે.
અભયમે નશાની લત છોડવા હૈદરાબાદ પરત જવા સમજાવી
અભયમ ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી પરિવારનો સંપર્ક સાધ્યો હતો. હૈદરાબાદથી પરિવાર બીજા દિવસે અમદાવાદ આવવાનો હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રિના સમયે યુવતીને આશ્રય માટે સંસ્થામાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ યુવતી તૈયાર નહોતી થતી. અભયમ ટીમે સતત ત્રણ કલાક સુધી કાઉન્સેલિંગ કરી નશાની લત છોડવા સમજાવ્યું હતું. યુવતી છેલ્લા ચાર દિવસથી 181 અને 112 ટીમને વારંવાર કોલ કરતી, ફોન સ્વિચ ઓફ કરી દેતી તેમજ પોલીસ સ્ટેશનમાં જઈને બેસી રહેતી હતી. સંસ્થામાં જવા સમજાવતા આત્મહત્યાની ધમકી પણ આપતી હતી.
રેન બસેરામાં આશ્રય અપાવ્યો
આખરે પાંચમા દિવસની રાત્રીએ સતત સમજાવટ બાદ યુવતીને રેન બસેરા આશ્રયમાં મોકલવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન રેન બસેરાના ટ્રસ્ટીઓ પણ સ્થળ પર હાજર રહી યુવતીને સુરક્ષિત રીતે સંસ્થામાં પહોંચાડવામાં સહયોગ આપ્યો હતો.
