GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
રિવરફ્રન્ટ પર યુવતીની છેડતી થતા અભયમની મદદથી યુવતીએ યુવાનના માતા પિતાને બોલાવી માફી મંગાવી, નસેડી સામે કાર્યવાહી ટળી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ રિવરફ્રન્ટ પર નસેડી યુવાને યુવતીની છેડતી કરતા અભયમ બોલાવી, યુવતીએ કાયદેસરની કાર્યવાહી કરવાનું ટાળી યુવાનના માતા-પિતાને બોલાવી ફરિયાદ કરતા માતા-પિતાએ પુત્રને માફી માંગી પિતાએ પુત્રને બે થપ્પડો ઝીંકી શાન ઠેકાણે આવતા આખરે યુવાને પણ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતા કાયદેસરની કાર્યવાહી ટળી હતી.
અમદાવાદ રિવરફ્રન્ટ પર રોજ મોર્નિંગ વોક અને બેસવા આવતી યુવતીની એકલતાનો લાભ લઈ એક નસેડી યુવાન તેની અડોઅડ આવી ઉભો રહ્યો હતો. યુવતી ત્યાંથી દૂર જવા લાગી ત્યારે યુવાન એક્ટિવા લઈને પાછળ આવ્યો અને રસ્તો રોકી યુવતી સામે અજીબ રીતે જોતો રહ્યો હતો. આ ઘટનાથી યુવતી ગભરાઈ ગઈ હતી. તે દરમિયાન સદનસીબે એક અજાણ્યો પુરુષ ત્યાંથી પસાર થતા યુવતીએ તેની મદદ લઈને 181 અભયમ હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો.
યુવતીએ નસેડીના માતા પિતાને ઘટના સ્થળે બોલાવ્યા
કોલ મળતા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુવાન નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. અભયમ ટીમે યુવતીને યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સલાહ આપી હતી, પરંતુ યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી યુવાનના માતા-પિતાને સ્થળ પર બોલાવવાની માંગ કરી હતી.શરૂઆતમાં યુવાને માતા-પિતાને કોલ કરવાનું ટાળ્યું હતું, પરંતુ ઓળખીતાના માધ્યમથી જાણ થતાં માતા-પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પિતાએ નસેડી પુત્રને બે થપ્પડો મારતા નશો ઉતરી જતા માફી માંગી
ઘટના સ્થળે પહોંચેલા પિતાએ પુત્રને થપ્પડ મારી તેની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતાએ પુત્ર વતી યુવતી પાસે માફી માંગી કાયદેસરની કાર્યવાહી ન કરવા આજીજી કરી હતી.યુવતીએ માતા-પિતાને કહ્યું હતું કે, “હું પોલીસ ફરિયાદ નહીં કરું, પરંતુ તમારા દીકરાને સમજાવો કે મારી જગ્યાએ તમારી બહેન કે દીકરી હોય અને કોઈ નસેડી તેની છેડતી કરે તો તેના પર શું વીતે.”અંતે પિતાની બે થપ્પડ બાદ યુવાનનો નશો પણ ઉતરી ગયો હતો અને તેણે પોતાની ભૂલ સ્વીકારી યુવતી પાસે માફી માંગી હતી. આમ યુવતીએ કાયદેસરની કાર્યવાહી કરતાં માનવતા દાખવી યુવાનના માતા-પિતાને પ્રત્યક્ષ બોલાવી તેને સમજણરૂપ સજા કરાવી હતી.
