મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

દીકરીને આર્ટ્સમાં કારકિર્દી બનાવવી છે પિતાએ કોમર્સમાં એડમિશન માટે દબાણ કરતા દીકરીએ અભયમ બોલાવી આર્ટ્સમાં એડમિશન લીધું

દીકરીને આર્ટ્સમાં કારકિર્દી બનાવવી છે પિતાએ કોમર્સમાં એડમિશન માટે દબાણ કરતા દીકરીએ અભયમ બોલાવી આર્ટ્સમાં એડમિશન લીધું — ફોટો 1

    અમદાવાદ પૂર્વમાં દીકરીને આર્ટ્સમાં કારકિર્દી બનાવવી હતી પરંતુ પિતાએ કોમર્સમાં એડમિશન લેવા દબાણ કરતા દીકરીએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે દીકરી અને પિતાનું કાઉન્સેલિંગ કરી દીકરીને જેમાં રસ અને ધગશ હોય તે ક્ષેત્રમાં અભ્યાસ કરવા સમજાવતાં આખરે મામલો થાળે પડ્યો હતો.

સાવકી માતા ,પિતા દીકરી વચ્ચે મતભેદ ઉભા કરે છે

   કોલ મળતા જ અભયમ ટીમ સ્થળ પર પહોંચી ધોરણ-10માં 68 ટકા મેળવનાર દીકરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. દરમિયાન જાણવા મળ્યું કે દીકરીની માતાનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને પિતાએ 8 વર્ષ પહેલાં બીજા લગ્ન કર્યા હતા. શરૂઆતમાં સાવકી માતાનું વર્તન સારું હતું, પરંતુ સંતાન જન્મ્યા બાદ તેમના વર્તનમાં બદલાવ આવ્યો હતો. દીકરીના કહેવા મુજબ સાવકી માતા વારંવાર કારણ વગર ઝગડા કરી પિતા અને દીકરી વચ્ચે મતભેદ ઊભા કરતી હતી.

     પિતા કોમર્સ લાઈન લેવા કહે છે,મારે આર્ટ્સમાં કારકિર્દી બનાવવી છે

   દીકરીએ અભયમ ટીમને જણાવ્યું હતું કે તે ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે અને તાજેતરમાં ધોરણ-10માં 68 ટકા મેળવ્યા છે. તેને આર્ટ્સમાં અભ્યાસ કરી આગળ જઈ સાયકોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી ડોક્ટર બનવાની ઈચ્છા છે. પરંતુ પિતા “આર્ટ્સમાં કોઈ કારકિર્દી નથી” કહી કોમર્સમાં પ્રવેશ લેવા દબાણ કરતા હતા. સાથે જ આગળ અભ્યાસ ન કરાવવાની પણ વાત કરતા હોવાથી દીકરીએ પોતાની ઈચ્છા મુજબ અભ્યાસ કરવા માસીના ઘરે રહી ભણવાની તૈયારી દર્શાવી હતી. જોકે પિતાએ તેની ના પાડતાં અંતે દીકરીએ અભયમની મદદ માંગી હતી.

અભયમે ધગશ મુજબ અભ્યાસ કરવાદેવા પિતાને સમજાવ્યા

 અભયમ ટીમે દીકરીની આર્ટ્સ ક્ષેત્ર પ્રત્યેની ધગશ અને સ્પષ્ટ કારકિર્દી લક્ષ્યને ધ્યાનમાં લઈ પિતાને સમજાવ્યું હતું કે સંતાનને તેની પસંદગી અને ક્ષમતા મુજબ અભ્યાસ કરવાની તક આપવી જોઈએ. મન વિરુદ્ધ અભ્યાસ કરાવવાથી સમય, ફી અને કારકિર્દી ત્રણેય બગડી શકે છે. સાથે જ દીકરી પ્રત્યેનું પારિવારિક વર્તન સુધારવાની પણ સલાહ આપવામાં આવી હતી.

 અભયમે દીકરી ની કારકિર્દી અને માસી ને ઘેર જતી બચાવી

     અંતે અભયમની સમજાવટ બાદ પિતા દીકરીને તેની ઈચ્છા મુજબ આર્ટ્સમાં અભ્યાસ કરાવવા તૈયાર થયા હતા. દીકરી પણ રાજીખુશીથી પિતા સાથે રહેવા સંમત થતા સમગ્ર મામલો સુખદ રીતે પૂર્ણ થયો હતો. આમ, અભયમ ટીમની સમયસરની સમજાવટ અને કાઉન્સેલિંગથી દીકરીની કારકિર્દી બચી ગઈ હતી.