GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમદાવાદ પૂર્વમાં 70 વર્ષીય વૃદ્ધ દ્વારા 11 વર્ષની બાળકી સાથે અડપલાં, અભયની મદદથી પોકસો હેઠળ ગુનો દાખલ
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં 70 વર્ષીય નસેડી વૃદ્ધ દ્વારા 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કરવામાં આવતા પરિવારજનોએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ માગી હતી. અભયમ ટીમે તાત્કાલિક પહોંચી 112 પોલીસને જાણ કરતા આરોપી વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, 11 વર્ષની બાળકી બપોરના સમયે નજીકની દુકાનેથી નમકીન લેવા ગઈ હતી. પરત ફરી રહી હતી ત્યારે પડોશમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધે બાળકીનો હાથ પકડી તેને પોતાના ઘરમાં ખેંચી જઈ તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ગભરાયેલી બાળકી વૃદ્ધના પંજામાંથી છૂટી ઘેર પરત ફરી રડવા લાગી હતી.
નરાધામના પંજામાંથી નરાધામના ભાઈએ બચાવી ઘરમાંથી કાઢી મૂકી
માતાએ પૂછપરછ કરતા બાળકી એ સમગ્ર ઘટના જણાવી હતી. બાળકીના જણાવ્યા મુજબ, વૃદ્ધના ભાઈ ત્યાં આવી જતા તેને છોડાવી બહાર કાઢી મુકાઈ હતી. ઘટનાની જાણ થતાં સોસાયટીના લોકો એકત્ર થઈ આરોપીના ઘરે પહોંચ્યા હતા, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અગાઉ સોસાયટીની સગીરાઓને અડપલાં કરેલા
પરિવારજનોએ 181 અભયમને જાણ કરતા અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળકી પાસેથી સમગ્ર હકીકત જાણી 112 પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન સોસાયટીના રહિશોએ પણ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે આરોપી વૃદ્ધ દારૂના નશામાં ઘણીવાર બૈરા અને નાની દીકરીઓ સાથે અસભ્ય વર્તન કરતો હતો. અન્ય બે-ત્રણ સગીરાઓએ પણ આરોપી દ્વારા છેડતી કર્યાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી.
પોકસો હેઠળ ગુનો અને વૃદ્ધને ઝડપી લેવાયો
અંતે અભયમ ટીમે સગીરા અને તેના માતા-પિતાને નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈ આરોપી વૃદ્ધ વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
