મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સંજેલી: ગૌચરની જમીનની માપણી દરમિયાન પિતા-પુત્ર પર હુમલો કરનાર માજી સરપંચ દોષિત, કોર્ટે પ્રોબેશન પર મુક્ત કર્યા

સંજેલીના માજી સરપંચ દ્વારા ગૌચરની જમીનની માપણી બાબતે પિતા-પુત્ર પર કરવામાં આવેલા હુમલાના કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવી પ્રોબેશન એક્ટ હેઠળ ₹૨૫,૦૦૦ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સંજેલી નગરમાં આવેલી સર્વે નંબર ૧૧૭ની ગૌચરની જમીન પર સરપંચના બંગલા સહિતના ગેરકાયદેસર દબાણો અને પંચાયતના વહીવટમાં ચાલતી ગેરરીતિઓ સામે ગામના જાગૃત નાગરિક જશવંતસિંહ દલપતસિંહ ચૌહાણે જાહેર હિતમાં તાલુકા, જિલ્લા તેમજ ઉચ્ચ કક્ષાએ અને કોર્ટમાં કાનૂની લડત શરૂ કરી હતી.

આ અરજી અને રજૂઆતોને ધ્યાને લઈને ૧૪ જૂન ૨૦૨૧ના રોજ તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ઇજનેર તેમજ અરજદારને સાથે રાખીને ગૌચરની જમીનની સ્થળ તપાસ અને માપણી હાથ ધરવામાં આવી હતી. એ સમયે માજી સરપંચ કિરણ રાવત અને તેમના મળતિયાઓએ ગેરકાયદેસર મંડળી રચીને અરજદાર પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો, તેમજ જાહેરમાં બિભત્સ ગાળો બોલીને તેમને ઈજાઓ પહોંચાડી હતી, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કેસ સંજેલી કોર્ટમાં ચાલી જતાં, વકીલ આર. બી. ભાવસારની ધારદાર દલીલો અને મૌખિક પુરાવાઓને ધ્યાને રાખીને મેજિસ્ટ્રેટ ડૉ. ટી. આર. ગોણીયાએ માજી સરપંચ કિરણ રાવતને કલમ ૩૨૩ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અદાલતે આરોપીને એક વર્ષના પ્રોબેશન પિરિયડ પર મુક્ત કર્યો છે, જે દરમિયાન તેમને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ ન કરવાની શરતે ₹૨૫,૦૦૦ના બોન્ડ પર મુક્ત કરાયા છે. માજી સરપંચને કોર્ટે દોષિત ઠેરવ્યા હોવાના સમાચાર વાયુવેગે સંજેલી તાલુકામાં પ્રસરતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે.