મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ સામે ફતેપુરા કેમિસ્ટ એસોસિએશન લાલઘૂમ: તમામ દુકાનો બંધ રાખી નોંધાવ્યો વિરોધ

ફતેપુરામાં ઓનલાઈન પોર્ટલ અને એપ્સ દ્વારા થતા દવાઓના ગેરકાયદેસર વેચાણ (E-Pharmacy) સામે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ શરૂ થયો છે. 20 મેના રોજ ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને ઓનલાઈન દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધના ભાગરૂપે ફતેપુરા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રાખીને કેમિસ્ટોએ પોતાનો શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો.

આવેદનપત્રમાં એસોસિએશને રજૂઆત કરી હતી કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર શિડ્યુલ-H અને શિડ્યુલ-H1 જેવી ગંભીર અસરો ધરાવતી દવાઓ, એન્ટીબાયોટીક્સ તેમજ નશાકારક દવાઓ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર કે ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે સહેલાઈથી ઉપલબ્ધ છે. આના કારણે યુવાધન ખોટા રસ્તે વળી રહ્યું છે અને સેલ્ફ-મેડિકેશન (જાતે દવાઓ લેવી) નું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જે જાહેર આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરે છે.   સ્થાનિક કેમિસ્ટોના મતે, ઓનલાઈન મંગાવવામાં આવતી દવાઓની ગુણવત્તા તેમજ તેના સંગ્રહ માટે જરૂરી તાપમાન (કોલ્ડ ચેઈન મેઈન્ટેનન્સ) જાળવવાની કોઈ ગેરંટી હોતી નથી. આવી દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે, જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે.   વર્ષોથી ઈમાનદારીથી લાયસન્સ મેળવી, સરકારી નિયમોનું પાલન કરીને અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની હાજરીમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સેવા આપતા સ્થાનિક રીટેલ મેડિકલ સ્ટોર ધારકોની રોજીરોટી પર આ અપ્રમાણિક સ્પર્ધાના કારણે મોટું સંકટ આવી પડ્યું છે.   એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં દેશ અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ ઓનલાઈન ફાર્મસીઓ અનેદવાઓનું ડિજિટલ વેચાણ તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરવું, તેમજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમોનું કડકાઈથી પાલન કરાવીને જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરવાનો સમાવેશ થાય છે.   આ આવેદનપત્ર ફતેપુરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ રાજીવ ટી. વ્યાસ (શ્રીજી મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર), ઉપપ્રમુખ સચિન એસ. મુનિ (સચિન મેડિકલ સ્ટોર), સેક્રેટરી ઈરફાન ભાભોર (ઝુબેર મેડિકલ સ્ટોર), ટ્રેઝરર હેમંત અગ્રવાલ (રૂદ્રાક્ષ મેડિકલ સ્ટોર) તેમજ તાલુકાના અન્ય તમામ મેડિકલ એસોસિએશનના સભ્યોની સહીઓ સાથે ઉચ્ચ સ્તરે સરકાર સુધી રજૂઆત કરવા માટે મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.