GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સોસાયટીમાં મહિલાઓ સમક્ષ અશ્લીલ હરકત કરતા ફ્લેટના પરિણીત પુરુષને પાઠ ભણાવવા મહિલાઓએ અભયમ બોલાવી, પત્નીને સાથે રાખી માફી માંગી બાંહેધરી આપી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ શહેર વિસ્તારમાંથી 181 અભયમ હેલ્પલાઇન પર કોલ મળ્યો હતો કે, “પાડોશમાં રહેતો પરિણીત પુરુષ મને તેમજ ફ્લેટ સોસાયટીની અન્ય મહિલાઓ સમક્ષ અશ્લીલ હરકતો કરે છે, અપશબ્દો બોલે છે તેમજ મહિલાઓનું નામ બદનામ થાય તેવી ખોટી ચર્ચાઓ અને ટિપ્પણીઓ કરે છે. મહિલાઓની સુરક્ષા માટે અમારા ફ્લેટ ખાતે આવી યોગ્ય કાર્યવાહી કરો.”
કોલના આધારે 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ફરિયાદી મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 18 મહિનાથી ભાડાના ફ્લેટમાં રહે છે અને છેલ્લા છ મહિનાથી ફ્લેટમાં રહેતો પરિણીત પુરુષ મહિલાઓ સામે અશ્લીલ હરકતો કરવી, ખોટી કોમેન્ટ્સ કરવી, અપશબ્દો બોલવા તેમજ અયોગ્ય વર્તન કરવાની ટેવ ધરાવે છે. ઉપરાંત તે સોસાયટીની મહિલાઓ સમક્ષ અન્ય મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ પણ કરતો હતો. અન્ય મહિલાઓએ પણ તેની સામે આ પ્રકારની ફરિયાદો વ્યક્ત કરી હતી.
અશ્લીલ હરકતો કરવી કાયદેસર ગુનો:- અભયમ
અભયમ ટીમે આરોપી પુરુષને તેની પત્ની તેમજ ફ્લેટની મહિલાઓ સમક્ષ બોલાવી કડક શબ્દોમાં કાયદેસરની સમજણ આપી હતી. ટીમે સમજાવ્યું હતું કે કોઈપણ સ્ત્રી અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવી, અશ્લીલ હરકતો કરવી અથવા ખોટી ચર્ચાઓ ફેલાવવી કાયદેસર ગુનો બની શકે છે. પોતાની પત્ની સિવાય અન્ય મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે તેમજ કોઈપણ મહિલાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી.
પત્નીને સાથે રાખી મહિલાઓની માફી માંગી લેખિત બાંહેધરી આપી
અભયમ ટીમ દ્વારા આરોપી વ્યક્તિ તથા તેની પત્નીને 112 પોલીસ સેવા અને મહિલાઓના સુરક્ષા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ સોસાયટીમાં કોઈપણ મહિલા અંગે ખોટી ચર્ચાઓ કે ટિપ્પણીઓ નહીં કરવામાં આવે તે માટે તમામને સમજ આપવામાં આવી હતી.અંતે આરોપી વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં કોઈપણ સ્ત્રી સાથે અશ્લીલ હરકતો કે હેરાનગતિ નહીં કરે તેવી લેખિત બાંહેધરી આપી હતી. ફરી આવી ઘટના બનશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી સાથે હાલમાં મામલો શાંતિપૂર્ણ રીતે ઠારે પાડવામાં આવ્યો હતો.
