મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ફતેપુરાના વડવાસ ગામે 'સમતોલ ખાતર ઉપયોગ' અંગે રાજ્યવ્યાપી અભિયાન હેઠળ વિશેષ શિબિર યોજાઈ

ફતેપુરા તાલુકાના વડવાસ ગામે 'સંકલિત અને સમતોલ ખાતર ઉપયોગ' અંગે રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જમીનની ફળદ્રુપતા જાળવવા અને પાકના ઉત્કૃષ્ટ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરોના સમતોલ ઉપયોગ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમ ખેતીવાડી વિભાગ, આત્મા (ATMA) પ્રોજેક્ટ અને કૃભકો (KRIBHCO) દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો.

  પરિસંવાદમાં રસાયણોના અંધાધૂંધ વપરાશ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ખેતી ખર્ચ ઘટાડવા તેમજ જમીનની તંદુરસ્તી જાળવવા માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો જરૂરિયાત મુજબ અને મર્યાદિત ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જમીન ચકાસણી (સોઈલ હેલ્થ કાર્ડ) ના આધારે ખાતર આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી.   શિબિરમાં કૃભકોના સિનિયર ફિલ્ડ ઓફિસર ઝિયાઉદ્દીન એ.   બાદી, વિસ્તરણ અધિકારી (ખેતી), સ્થાનિક ગ્રામસેવકો, ખાતર-બિયારણના ડીલરો અને આત્મા (ATMA) નો ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વડવાસ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લઈ રાસાયણિક મુક્ત અને સમતોલ ખેતી માટે સૂચનો મેળવ્યા હતા. ખેતીવાડી વિભાગે જણાવ્યું કે, આવા અભિયાનથી ફતેપુરા તાલુકાના છેવાડાના ખેડૂતોમાં પણ આધુનિક અને સમતોલ કૃષિ પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ વધશે.