મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સિંગવડના મુનાવાણી ગામે શોર્ટ સર્કિટથી ઘરમાં ભીષણ આગ: પશુઓ અને ઘરવખરી બળીને ખાખ, તંત્ર પાસે વળતરની માંગ

સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના રહેવાસી શ્રી હઠીલા મલાભાઈ વીરસિંગભાઈના મકાનમાં તારીખ ૧૯/૦૫/૨૦૨૬, મંગળવારના રોજ મોડી રાત્રે આશરે ૨:૦૦ વાગ્યાની આસપાસ અચાનક વીજળીના શોર્ટ સર્કિટ (લાઈટના ફોલ્ટ)ના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આખો પરિવાર આબાદ બચી ગયો હતો, પરંતુ ઘરવખરી અને પશુધન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.

મોટું નુકસાન: પશુઓ જીવતા ભૂંજાયા   આગ એટલી ભયાનક હતી કે પશુઓને બચાવવાનો મોકો પણ ન મળ્યો. આ અકસ્માતમાં ૨ બળદ, ૧ ગાય, ૧ નાની વાછરડી અને ૧ વછેરો (નાનો ઘોડો/ગધેડું) આગની ઝપેટમાં આવી જતાં ઘટનાસ્થળે જ કાળી ચૌદશ જેવા દ્રશ્યો વચ્ચે મોતને ભેટ્યા હતા. ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, ચાંદલાની નોટો (રૂપિયા) તેમજ ઘરના અગત્યના તમામ કાગળો અને દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે.   સ્થળ મુલાકાત અને સહાયની માંગ   આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પરમાર નિરંજનભાઈ ભાવિનભાઈ, ડામોર શંકરભાઇ રત્નાભાઈ તથા ડામોર ભરતભાઈ બચુભાઈ તેમની આખી ટીમ સાથે તાત્કાલિક પીડિત પરિવારની વહારે દોડી ગયા હતા. તેઓએ ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી હતી.   ગ્રામજનોની અપીલ:   આ ગરીબ પરિવાર પર આવી પડેલી આભ ફાટવા જેવી આફતના સમયે ગામના લોકો અને આગેવાનો દ્વારા સરકારશ્રીને નમ્ર રજૂઆત કરવામાં આવી છે કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી આ પરિવારને યોગ્ય અને વહેલામાં વહેલી તકે આર્થિક વળતર (સહાય) ચૂકવવામાં આવે જેથી તેઓ આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શકે.