GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગરબાડા: નળવાઈ ખાતે આવેલા વન વિભાગના (ફોરેસ્ટ) જંગલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા ફતેપુરા, ગરબાડાપ્રકાશિત :

પ્રાપ્ત માહિતી અનુસાર, નળવાઈ ખાતે આવેલા અનાજના સરકારી ગોડાઉન પાછળ લીલગરીના ઝાડનું મોટું જંગલ આવેલું છે. આ જંગલમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા જોતજોતામાં લીલગરીના ઝાડ સળગવા લાગ્યા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જંગલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આજુબાજુના સ્થાનિક લોકો અને ગરબાડા ૧૧૨ (Emergency Response) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રાથમિક પ્રયાસ હાથ ધર્યો હતો.
જોકે, આગ વધુ વિકરાળ બનતા ગરબાડા ૧૧૨ ની ટીમે તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોઈ ફાયર ફાઈટરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જંગલમાં આ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે.