મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

દાહોદ SOGનો મોટો સપાટો: રાજસ્થાનથી ઇકો ગાડીઓના ગુપ્ત ખાનામાં ઘુસાડાતો ₹3.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 3 આરોપી પકડાયા

દાહોદ SOGનો મોટો સપાટો: રાજસ્થાનથી ઇકો ગાડીઓના ગુપ્ત ખાનામાં ઘુસાડાતો ₹3.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 3 આરોપી પકડાયા — ફોટો 1

દાહોદ SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) શાખાએ રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે બે મારૂતિ સુઝુકી ઇકો ગાડીઓ સહિત કુલ ₹3,74,315/- નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે દારૂબંધીના કાયદાના કડક અમલ માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

  ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, રાજસ્થાનથી ગોધરા તરફ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને બે ઇકો ગાડીઓ આવવાની હતી. પોલીસે પંચોના માણસોને સાથે રાખી મોજે ચાકલીયા, બોરસદ ગામ પાસે આવેલ હોટલ આદિત્ય નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી.   બાતમીવાળી બંને ગાડીઓ આવતા પોલીસે તેમને રોકાવી તલાશી લીધી હતી. ગાડીઓની પાછળની સીટની નીચે તેમજ આગળના ભાગે બોનટની નીચે બનાવેલા ખાસ ગુપ્ત ખાનાઓમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુપ્ત ખાનાઓનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવતો હતો.   પોલીસે ગ્રે કલરની મારૂતિ સુઝુકી ઇકો (GJ 06 HS 6165) માંથી 'કિંગફિશર એક્સ્ટ્રા સ્મૂથ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર' ના 235 ટીન અને 'મેજિક મોમેન્ટ્સ ફ્લેવર્સ વોડકા' ની 240 બોટલ જપ્ત કરી હતી. જ્યારે વ્હાઇટ કલરની મારૂતિ સુઝુકી ઇકો (GJ 01 RS 7688) માંથી પણ 'કિંગફિશર બિયર' ના 235 ટીન અને 'મેજિક મોમેન્ટ્સ વોડકા' ની 236 બોટલ મળી આવી હતી.   બંને ગાડીઓમાંથી કુલ 951 નંગ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹1,59,315/- થાય છે. આરોપીઓએ કબૂલ્યું હતું કે આ તમામ જથ્થો રાજસ્થાનના કસારવાડી ઠેકા પરથી લાવવામાં આવ્યો હતો.