GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમદાવાદમાં જામનગરની યુવતીને મહિલાએ બળજબરીથી ઘરમાં રાખી મુક્ત નહિ કરતા અભયમે મુક્ત કરાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

જામનગરની તાજેતરમાં ધોરણ 12 પાસ કરેલી યુવતીને પરિવાર દ્વારા તેની ઈચ્છા વિરુદ્ધ કોર્ષમાં પ્રવેશ લેવા દબાણ કરવામાં આવતાં, રિસાઈને ઘર છોડીને અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદના બસ સ્ટોપ પર એક અજાણી મહિલાએ યુવતીને પીજીમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપવાનું કહી પોતાના ઘરે લઈ ગઈ હતી. બાદમાં યુવતીની મોટી બહેને મોબાઇલ લોકેશનના આધારે શોધી કાઢી અભયમની મદદથી બહેનને મુક્ત કરાવી જામનગર પરત લઈ ગઈ હતી.
અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી મોટી બહેનનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તે અમદાવાદથી આશરે 40 કિમી દૂર કોલેજમાં રહી અભ્યાસ કરે છે. તેની નાની બહેને તાજેતરમાં ધોરણ 12 પાસ કર્યું હતું. માતા-પિતા યુવતીની ઈચ્છા વિરુદ્ધ અન્ય કોર્ષમાં ભણાવવા માંગતા હોવાથી યુવતીને દુઃખ લાગ્યું અને કોઈને જાણ કર્યા વગર જામનગરથી અમદાવાદ આવી ગઈ હતી.
અમદાવાદના બસ સ્ટોપ પર ઉભેલી એક અજાણી મહિલાને યુવતીએ પીજી અંગે પૂછતાં, બે યુવાન દીકરાઓની માતા એવી મહિલાએ યુવતીને પોતાના ઘરે લઈ જઈ રાખી હતી. બીજી તરફ નાની દીકરી ઘર છોડીને જતા માતા-પિતાએ મોટી દીકરીને જાણ કરી હતી. મોટી બહેને સતત ફોન પર સંપર્ક કરી યુવતીનું લોકેશન મેળવ્યું અને મહિલાના ઘરે પહોંચી હતી.પરંતુ મહિલાએ યુવતીને પરત મોકલવાનો ઇનકાર કરી મોટી બહેનને ધમકાવી હતી કે, “મેં તેને રહેવાની સગવડ કરી આપી છે, હવે તે અહીં જ રહેશે.” ત્યારબાદ મોટી બહેને અભયમની મદદ માગી હતી.
અભયમે કાયદેસરની કાર્યવાહી ની તૈયારી કરતા, યુવતી ને મુક્ત કરી
અભયમ ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી મહિલાને કડક ચેતવણી આપી હતી કે કોઈ અજાણી યુવતીને તેના પરિવારની મંજૂરી વગર ઘરે રાખી શકાય નહીં અને આવું કરવું કાયદેસર ગુનો બની શકે છે. સાથે જ મહિલાના ઘરે બે યુવાન દીકરાઓ રહેતા હોવાથી યુવતીની સલામતી અંગે પણ ગંભીર સવાલ ઉભા થતા અભયમે મહિલાને સમજાવી યુવતીને પરિવારને સોંપાવી હતી. અંતે મોટી બહેન નાની બહેનને સાથે લઈ જામનગર પરત ફરી હતી.
