GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
આમોદ ટાઉનમાં થયેલ ચકચારી હત્યાના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ: આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
રિપોર્ટેડ બાય: કેતન મહેતા, ભરૂચપ્રકાશિત :

ગેસ વેલ્ડીંગના કામ અને કૌટુંબિક ઝઘડાની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હતી હત્યા
આમોદ,
ભરૂચ જિલ્લાના આમોદ ટાઉનમાં ગઈકાલે બનેલી હત્યાની ઘટનામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કૌટુંબિક અદાવત અને સામાન્ય ઝઘડાની રીસ રાખી એક ઈસમે અન્ય યુવક પર ચપ્પુ વડે આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ગઈકાલ તારીખ ૧૬/૦૫/૨૦૨૬ના રોજ આમોદ વિસ્તારમાં આવેલ મહમદશાપીરની દરગાહ વાળા રોડ પર બે ઇસમો વચ્ચે હિંસક મારામારી થઈ હતી. જેમાં સાહીલભાઈ રણજીતભાઇ ચૌહાણ નામના શખ્સે તીક્ષ્ણ ચપ્પુના ઘા મારી મહેબુબભાઇ ઉર્ફે લાલાભાઈ મોહમદભાઇ મહીડા (રહે. આમોદ) નું મોત નીપજાવ્યું હતું. આ ચકચારી ઘટના અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા. આમોદ પોલીસ અને એલ.સી.બી. ભરૂચની ટીમ જ્યારે આમોદ શહેરમાં સઘન પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, "આમોદ હત્યા કેસનો મુખ્ય આરોપી સાહીલ ચૌહાણ પુરશા નવી નગરી પાછળ આવેલ રેલ્વેના પાટા નજીક છુપાયેલો છે." બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી શકમંદ આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક અને ઘનિષ્ઠ પૂછપરછમાં આરોપી સાહીલ ચૌહાણે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, મરણ જનાર મહેબુબભાઇ ઉર્ફે લાલાભાઈ સાથે તેને અગાઉથી કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. આ ઉપરાંત થોડા દિવસ પહેલા ગેસ વેલ્ડીંગના કામ બાબતે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગઈકાલે જ્યારે આરોપી પોતાની દુકાનેથી ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે મૃતક મહેબુબભાઈ પોતાની એક્ટિવા લઈને આવ્યા હતા અને રસ્તામાં તેને રોકી જૂની અદાવત રાખી ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી ઉશ્કેરાઈ જઈ આરોપીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મહેબુબભાઈના શરીર પર આડેધડ ઘા મારી દીધા હતા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને આમોદ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.