GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પતિના અવસાનના 18 માં દિવસે સાસુએ, વહુને બાળકો સાથે નીકળી જવા કહેતા અભયમ બોલાવી, અંતે સાસુએ માફી માંગવી પડી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ ના પશ્ચિમ વિસ્તારમાં 30 વર્ષીય મહિલાના પતિના અવસાનના માત્ર 18માં દિવસે સાસુએ જાહેરમાં વહુને “હવે તારો પતિ જીવિત નથી એટલે હું જેમ કહું તેમ કરવું પડશે, નહિતર બે બાળકોને લઈને પિયર જા” કહી માનસિક ત્રાસ આપતા બે સંતાનોની વિધવા માતાએ 181 અભયમની મદદ લીધી હતી.
સાસુએ પિયર જવા અને મારી દરેક વાત માનવ કહી દીધું
181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાનું કાઉન્સિલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે પતિના અવસાન બાદ તેઓ ભારે માનસિક આઘાતમાં છે અને છેલ્લા બે દિવસથી ખૂબ બીમાર હોવાથી રસોઈ બનાવી શક્યા નહોતા. તેમણે નણંદને એક દિવસ માટે રસોઈ બનાવવા વિનંતી કરી હતી, પરંતુ નણંદે મદદ કરવાને બદલે બાળકોને લઈને બહાર જમવા જવાનું પસંદ કર્યું. ત્યારબાદ સાસુએ મહિલાને ઘરના તમામ કામ કરવાની ફરજ પાડી અને કામ ન કરવું હોય તો પિયર જવા કહી દીધું.તબિયત ખરાબ હોવા છતાં મહિલાએ રોટલી બનાવી, પરંતુ શાક બનાવતી વખતે ચક્કર આવતા પાડોશી પાસેથી દાળ મંગાવી લીધી. આ બાબતને લઈને સાસુએ મહિલાને ધમકી આપી કે હવે પતિ જીવિત નથી એટલે તેમની દરેક વાત માનવી પડશે, નહિતર બાળકો સાથે ઘર છોડવું પડશે. બાદમાં સાસુએ વિસ્તારના લોકોને ભેગા કરી વહુ વિશે અપમાનજનક વાતો પણ કરી હતી.
વહુને દીકરી સમાન માન આપો,વહુને કાઢી મુકવાની ધમકી યોગ્ય નથી:- અભયમ
અભયમ ટીમે પીડિતા, સાસુ અને નણંદનું કાઉન્સિલિંગ કરી સમજાવ્યું કે પરિવારના સભ્યના અવસાન બાદ દરેક વ્યક્તિ દુઃખમાં હોય છે અને આવી સ્થિતિમાં એકબીજાને સહારો આપવાની જરૂર હોય છે. ટીમે કાયદાકીય અને સામાજિક સમજ આપતા જણાવ્યું કે વહુને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપવી અથવા માનસિક ત્રાસ આપવો યોગ્ય નથી. સાથે જ દીકરી અને વહુને સમાન માન આપીને પરિવાર તરીકે સહકાર આપવો જોઈએ.
અંતે સાસુએ માફી માંગતા સમાધાન થયું
સમજાવટ બાદ સાસુ અને નણંદને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે મહિલાની માફી માગી ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ નહીં આપે તેમજ વહુ અને બાળકોને પરિવાર સાથે જ રાખી સહકાર આપવાનો વિશ્વાસ આપ્યો. આમ, અભયમ ટીમની સમયસરની સમજાવટથી પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું.
