મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદમાંથી મળી આવેલ, યુપીમાં છેડતીનો ભોગ બનેલ સગીરાને અભયમ ટીમે માતાપિતા સાથે મિલન કરાવ્યું

અમદાવાદમાંથી મળી આવેલ, યુપીમાં છેડતીનો ભોગ બનેલ સગીરાને અભયમ ટીમે માતાપિતા સાથે મિલન કરાવ્યું — ફોટો 1

વૃંદાવન માંથી તારીખ 5થી ગુમ થયેલી 12 વર્ષીય બાળકી અમદાવાદ ઉત્તર વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવતા 181 અભયમ ટીમે સંવેદનશીલ કામગીરી હાથ ધરી બાળકીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. બાળકી સાથે અડપલાં કરનાર વૃદ્ધ વ્યક્તિને ઝડપી પાડવા વૃંદાવન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

     અજાણી રૂમમાં અડપલાં કરી ભાગી ગયેલ:

     મળતી માહિતી મુજબ વૃંદાવન ખાતે પોતાના ઘર બહાર રમતી 12 વર્ષીય બાળકી પાસેની હોટલમાં રોજ જમવા આવતા એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા બળજબરીપૂર્વક લઈ જવાઈ હતી. બાળકીના જણાવ્યા મુજબ વૃદ્ધે એક રૂમ ભાડે રાખી તેની સાથે રહેવાનું શરૂ કર્યું હતું તેમજ તેની સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતા. બાદમાં બાળકી ને એકલી મૂકી ચાલ્યો ગયો હતો. દીકરી ગુમ થતાં પરિવારજનોએ નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની તેમજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

        ગૂગલ મેપથી બાળકીએ અપહરણ નું સ્થળ બતાવ્યું,ત્યાંની પોલીસને જાણ કરાઈ

   દરમિયાન 14 તારીખે અમદાવાદ ઉત્તર વિસ્તારમાંથી એક બાળકી બિનવારસી હાલતમાં મળી આવ્યાનો કોલ 181 અભયમ ટીમને મળતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બાળકીનું કાઉન્સેલિંગ કરતાં તેણે પોતે  વૃંદાવનની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બાળકી દ્વારા જણાવવામાં આવેલ હોટલનું નામ ગૂગલ મેપ દ્વારા શોધી તેની માહિતી ત્યાંની સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી.સ્થાનિક પોલીસે હોટલ માલિક સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ત્રણ દિવસ અગાઉ એક બાળકી ગુમ થયાની ઘટના બની હતી. હોટલ નજીક જ બાળકીનું રહેઠાણ હોવાથી હોટલ માલિક બાળકીના પરિવારને ઓળખતા હતા. ત્યારબાદ પરિવારજનો સાથે વીડિયો કોલ દ્વારા બાળકીની વાતચીત કરાવવામાં આવી હતી, જેમાં પરિવારજનોએ બાળકીની ઓળખની પુષ્ટિ કરી હતી.

           અમદાવાદ અભયમેં પરિવાર સાથે મિલન કરાવ્યું

    ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ તથા 181 અભયમ ટીમ દ્વારા બાળકીને સુરક્ષિત રીતે મહિલા આશ્રય ગૃહમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ બાળકીના પરિવારજનો અમદાવાદ આવી પહોંચતા તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીને સુરક્ષિત રીતે પરિવારજનો તથા પોલીસને સોંપવામાં આવી હતી.આમ સ્થાનિક પોલીસ અને 181 અભયમ ટીમના સંયુક્ત પ્રયાસોથી ગુમ થયેલી બાળકીનું તેના પરિવાર સાથે સુખદ પુનર્મિલન શક્ય બન્યું હતું.