મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પિયરમાં આવી સાસરિયાઓ ઘર પર પથ્થરમારો કરી 3 માસનું બાળક છીનવી ભાગી જતા માતાએ અભયમ બોલાવી

પિયરમાં આવી સાસરિયાઓ ઘર પર પથ્થરમારો કરી 3 માસનું બાળક છીનવી ભાગી જતા માતાએ અભયમ બોલાવી — ફોટો 1

 અમદાવાદ પૂર્વમાં સાસરીયાઓએ પુત્રવધૂના પિયરમાં જઈ ઘેર પથ્થરમારો કરી ત્રણ માસનું બાળક છીનવી લઈ જતા માતાએ અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સાસરીમાંથી બાળકને પરત અપાવી માતાને સોંપ્યું હતું.

  અભયમ ટીમ મહિલાના ઘેર પહોંચી ત્યારે 24 વર્ષીય મહિલાએ જણાવ્યું કે તેણીએ બે વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ સાસુ અને નણંદ દ્વારા “નીચા સમાજની” કહી નાની નાની બાબતે હેરાનગતિ કરવામાં આવતી હતી. ગર્ભાવસ્થા દરમિયાન થોડું સારું વર્તન કરવામાં આવ્યું હતું, પરંતુ ડિલિવરી બાદ સવા મહિના પિયરમાં રહી ફરી સાસરીમાં જતા તેણી અને બાળક બંને બીમાર પડી ગયા હતા. ત્યારબાદ સારવાર અને આરામ માટે તે નજીકના બ્લોકમાં રહેતા પોતાના માતા-પિતા પાસે આવી હતી.

       ઘર પર પથ્થરમારો કરી ઘુસી આવી મારું 3 માસનું બાળક લઈ ગયા:- બાળકની માતા

   મહિલાના જણાવ્યા મુજબ પિયરમાં થોડા દિવસ આરામ કરવાની વાત કરતા સાસુ-નણંદ સહિત સાસરી પક્ષના લોકો ઘેર આવી પથ્થરમારો કરી ત્રણ માસના બાળકને જબરદસ્તી લઈ ગયા હતા. આખી રાત વીતી જવા છતાં બાળક પરત ન આપતા માતાએ અભયમને કોલ કરી મદદ માગી હતી.

અભયમ ટીમ તાત્કાલિક સાસરી પક્ષના ઘરે પહોંચી હતી. ટીમે સાસરીયાઓને સમજાવ્યું હતું કે ત્રણ માસના બાળકને માતાના દૂધ અને હુંફની સૌથી વધુ જરૂર હોય છે તેમજ આ રીતે બાળકને માતાથી અલગ કરી લઈ જવું ગુનો બને છે. સાથે જ મહિલાની તબિયત નાજુક હોવાથી તેને પિયરમાં આરામ કરવાની મંજૂરી આપવાની સમજણ આપવામાં આવી હતી.અંતે અભયમની સમજાવટ બાદ સાસરી પક્ષે જે ઘેરથી બાળકને લઈ ગયા હતા ત્યાં જઈ બાળકને માતાને પરત સોંપ્યું હતું.