મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

રાજકોટ સ્થિત સિંધી સમાજ વાડી ખાતે મહિલાઓના આરોગ્ય માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો

તા. 1/5/2026ના રોજ રાજકોટ સ્થિત સિંધી સમાજ વાડી ખાતે ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી દ્વારા મહિલાઓ માટે વિશેષ ફિઝીયોથેરાપી હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે 9 થી બપોરે 12.30 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં કુલ 43 મહિલાઓએ ભાગ લીધો હતો.

આ કેમ્પનો મુખ્ય હેતુ મહિલાઓમાં હાડકાં-સાંધાના તથા ગાયનેકોલોજીકલ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો. કેમ્પ દરમિયાન મહિલાઓનું પ્રાથમિક આરોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ તેમને વ્યક્તિગત ફિઝીયોથેરાપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં યોગ્ય પોશ્ચર, જરૂરી વ્યાયામ, શરીરની કાળજી અને આરોગ્ય સમસ્યાઓથી બચવા માટેની પ્રિવેન્ટિવ કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન ડૉ. વંદના દેશરાણી (PT) દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ડૉ. હિમાંશી રૂપારેલિયા (PT) ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. કેમ્પ દ્વારા મહિલાઓને આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બનવા, સમયસર તબીબી સલાહ લેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી સમાજમાં આરોગ્ય જાગૃતિ લાવવા અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. આવા કેમ્પો દ્વારા સમાજના વિવિધ વર્ગોને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સેવાઓ પહોંચાડવામાં સંસ્થા મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.