GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સસરાએ પ્રેગ્નન્ટ પુત્રવધૂને શૌચક્રિયા અને સ્નાન માટે જાહેર શૌચાલયમાં જવા ફરજ પાડતા અભયમ બોલાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

પ્રેગ્નન્ટ પુત્રવધૂને સસરા દ્વારા ઘરનું શૌચાલય વાપરવા ના પાડતા તેને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર થવું પડતું હતું. આ પરિસ્થિતિથી કંટાળીને મહિલાએ અભયમની મદદ માંગી હતી. અભયમ ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ સસરાએ શૌચાલય સ્વચ્છ રાખવાની શરતે પુત્રવધૂને ઘરનું શૌચાલય વાપરવાની મંજૂરી આપતા મહિલાની સમસ્યાનો અંત આવ્યો.
મહિલાના કોલ મળતા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેણીએ પાંચ મહિના પહેલા લવ મેરેજ કર્યા છે અને હાલ તે પ્રેગ્નન્ટ છે. પતિના સાત ભાઈઓ છે અને પતિ-પત્ની સસરા સાથે ઉપરના માળે રહે છે. પ્રેગ્નન્સી જેવી સંવેદનશીલ સ્થિતિ હોવા છતાં સસરા તેને ઘરનું શૌચાલય વાપરવા દેતા નહોતા અને જાહેર શૌચાલય જવા મજબૂર કરતા હતા, જેના કારણે તેને શારીરિક અને માનસિક તકલીફ પડી રહી હતી. ઉપરાંત, જેઠ દ્વારા તેણી એકલી હોય ત્યારે રૂમમાં આવી અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાનું પણ તેણે જણાવ્યું.
આ બાબતે સસરાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે તેઓ વૃદ્ધ છે અને દવાઓ પર નિર્ભર છે. અગાઉ અન્ય વહુઓ શૌચાલયનો ઉપયોગ કરતી હતી પરંતુ યોગ્ય સ્વચ્છતા જાળવાતી ન હોવાથી તેમણે આ પુત્રવધૂને શૌચાલય વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.અભયમ ટીમે મહિલાને શૌચાલયની સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું અને સસરાને પ્રેગ્નન્સી દરમિયાન મહિલાને પડતી તકલીફો અંગે સમજાવ્યું. સાથે જ, પુત્રવધૂને ઘરનું શૌચાલય અને સ્નાનની સુવિધા આપવા સમજાવવામાં આવ્યા. જેઠને કડક સૂચના આપવામાં આવી કે કોઈપણ મહિલા એકલી હોય ત્યારે તેમની મંજૂરી વિના રૂમમાં પ્રવેશ કરવો કાયદેસર ગુનો છે અને આવા વર્તનથી દૂર રહેવું.
અંતે, અભયમ ટીમના કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શનથી બંને પક્ષ વચ્ચે સમજૂતી ઉભી થઈ અને સમસ્યાનો સુખદ નિકાલ થયો.
