GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મોબાઈલમાં ગેમો, ફિલ્મોમાં વ્યસ્ત રહેતા 10 મુ ધોરણ 2 વાર નાપાસ કિશોરે માતાને માથામાં મોબાઈલ મારતા મોટી બહેને અભયમ બોલાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી 21 વર્ષીય યુવતીનો કોલ મળતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીએ જણાવ્યું કે તેના 17 વર્ષીય ભાઈએ માતાના માથામાં મોબાઈલ મારી ઇજા પહોંચાડી છે.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે કોરોના સમય દરમિયાન ઓનલાઈન ભણતર માટે આપવામાં આવેલ મોબાઈલથી કિશોરને ભારે લત લાગી ગઈ હતી. આખો દિવસ મોબાઈલમાં Free Fire જેવી ગેમ રમવી, મારામારીવાળી ફિલ્મો અને અશ્લીલ વેબ સિરીઝ જોવામાં વ્યસ્ત રહેતા ભણવામાં ધ્યાન ન આપતા તે ધોરણ 10માં બે વખત નાપાસ થયો હતો. ઘરે કોઈ સમજાવે તો પરિવારજનો સાથે મારપીટ કરતો અને શાળામાંથી પણ વારંવાર ફરિયાદ આવતી હતી.
આજે માતા બીમાર હોવા છતાં કુલર પોતાની તરફ ફેરવવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ગુસ્સામાં આવી કિશોરે માતાને હાથમાંથી છૂટ્ટો મોબાઈલ માથામાં મારી ઇજા પહોંચાડી હતી. અભયમ ટીમે કિશોરને સમજાવ્યું કે ફિલ્મો અને ગેમ્સ માત્ર મનોરંજન માટે હોય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં હિંસા કરવાથી કાયદેસર સજા થાય છે. મોબાઈલનો ઉપયોગ ભણતર માટે કરો મનોરંજન માટે નહીં.
અભયમની સમજાવટ બાદ કિશોરને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે માતા-પિતા તથા બહેન પાસે માફી માંગી. સાથે જ ભણવામાં ધ્યાન આપવા સંકલ્પ કર્યો અને પોતાનો મોબાઈલ માતાને સોંપી દીધો. ભવિષ્યમાં ખરાબ સંગતથી દૂર રહેવાની ખાતરી આપી.આ રીતે અભયમ ટીમના યોગ્ય માર્ગદર્શનથી પરિવારનો વિખવાદ શમ્યો અને કિશોરમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો.
