GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મકાન માલિકે ભાડુઆત યુવતીનો સામાન રૂમમાં લોક કરી પરત નહિ કરતા અભયમની મદદ લીધી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં મકાન માલિક દ્વારા ભાડુઆત કોલેજીયન યુવતી સાથે દુર્વ્યવહાર અને દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. યુવતીએ પોતાના સામાન પરત મેળવવા માટે અભયમ 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હોવા છતાં પણ મકાન માલિકે સામાન આપવાનો ઇનકાર કર્યો હતો.
માહિતી મુજબ, યુવતીએ પોતાના ફિયાંસે ખરીદેલી ગાડી માટે રહેઠાણના પુરાવા તરીકે મકાન માલિકના સરનામાનો ઉપયોગ આર.સી. બુક અને આધાર કાર્ડમાં કરાવ્યો હતો. આ બાબતે મકાન માલિકે વિરોધ વ્યક્ત કરતાં યુવતીએ આધાર કાર્ડમાં સરનામું સુધારી દીધું અને આર.સી. બુકમાં સુધારણા માટે અરજી પણ કરી છે.છતાં પણ મકાન માલિકે યુવતીના કીમતી સામાનવાળા રૂમને તાળું મારી દીધું અને સામાન આપવાનો ઇનકાર કર્યો. અગાઉ પણ યુવતીએ બે વાર પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું.
આજે યુવતી પોતાની માતા, ફિયાંસે અને એફિડેવિટ સાથે સામાન લેવા પહોંચી ત્યારે મકાન માલિકે યુવતીની માતાને ધક્કો મારી ગાળાગાળી કરી અને સામાન બતાવવાનો પણ ઇનકાર કર્યો હતો.અભયમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ છતાં મકાન માલિક પોતાની જિદ્દ પર અડગ રહ્યો કે આર.સી. બુકમાંથી પોતાનું સરનામું દૂર ન થાય ત્યાં સુધી સામાન નહીં આપે. અંતે યુવતીએ ઇમરજન્સી સેવા 112 પર કોલ કર્યો હતો, પરંતુ ત્યાં પણ સમાધાન ન થતાં યુવતીએ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ત્રીજીવાર મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
