GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ખાનગી કંપનીએ ટેન્ડર બહાને બે યુવતીઓને પગાર નહિ ચૂકવતા અભયમની મદદ લીધી, અભયમે તાત્કાલિક પગાર અપાવ્યો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ શહેરની એક ખાનગી લિમિટેડ કંપનીએ બે મહિલા કર્મચારીઓનો પગાર અટકાવતા, બંને યુવતીઓએ અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કંપની મેનેજરને સમજાવતા અંતે યુવતીઓને તેમની મહેનતનો પુરો પગાર મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, જૂનાગઢની બે યુવતીઓ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજ ફી અને હોસ્ટેલ ખર્ચ પૂરું કરવા માટે તેઓ અમદાવાદની એક ખાનગી લિમિટેડ કંપનીમાં લોન સંબંધિત કામ કરતી હતી. માર્ચ માસનો પગાર સમયસર ન મળતા યુવતીઓએ કંપની મેનેજર સાથે વાત કરી હતી. મેનેજરે ટેન્ડર પાસ ન થવાના બહાને પગાર આપવા ઇન્કાર કર્યો હતો અને ટેન્ડર પાસ થયા બાદ જ પગાર મળશે એવું જણાવ્યું હતું.આર્થિક તંગીને કારણે બંને યુવતીઓ પર પીજી સેન્ટરની ફી ચૂકવવાનું દબાણ હતુ, પગાર ન મળતા પીજીમાંથી કાઢી મૂકવાની પણ ધમકી મળતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અંતે બંને યુવતીઓએ અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
અભયમ ટીમે બંને યુવતીઓની સમસ્યા સાંભળી તાત્કાલિક કંપની મેનેજરનો સંપર્ક કર્યો અને સ્પષ્ટ જણાવ્યું કે ટેન્ડર પાસ ન થવું કંપનીનો આંતરિક પ્રશ્ન છે, કર્મચારીઓનો નહીં. મહિનો પૂર્ણ થતાં જ કર્મચારી પગાર મેળવવા હકદાર છે અને ટેન્ડરના બહાને પગાર રોકવો કાયદેસર નથી. નહીં તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી હતી.અભયમની દખલ બાદ કંપની મેનેજરે બંને યુવતીઓને કુલ ₹42,858 નો ચેક આપી દીધો, જેને પગલે યુવતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
