GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અસલાલી ગોડાઉનમાંથી પાન મસાલાની ચોરીનો ભેદ ઉકેલાયો, 17.47 લાખના પાન મસાલા, 2 લાખના વાહન સાથે મહારાષ્ટ્રથી 2 તસ્કરો ઝડપાયા, 6 ફરાર
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 2
દસ દિવસ અગાઉ અસલાલી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી લાખો રૂપિયાના પાન મસાલાની ચોરીના કેસનો ભેદ અસલાલી પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે મહારાષ્ટ્રના ભીવંડીમાંથી બે આરોપીઓને ઝડપી પાડી, તેમના પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહન કબજે લીધું છે. જ્યારે હજુ 6 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ગત 5 એપ્રિલના રોજ અસલાલી તિરુપતિ એસ્ટેટ ખાતે આવેલ પાન મસાલાના ગોડાઉનમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ગોડાઉનમાં રાખેલ રજનીગંધા, તુલસી જર્દા તથા તુલસી રોયલ પાન મસાલાના કુલ 96 બોક્સ, અંદાજિત ₹44,47,370 ની કિંમતના તેમજ ₹45,000 નો ઇન્ટરનેટ રાઉટર-સ્વિચ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે કંપની દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે અસલાલી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે 50 થી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા બોલેરો વાહનના નંબર અને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના ભીવંડી સુધી પહોંચી પોલીસે અખતરઅલી રહેમતઅલી શેખ અને મોહમદ અનશ હકીમખાન નજીરખાન નામના બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી અંદાજિત ₹17,47,908 ના પાન મસાલા તથા લગભગ ₹2 લાખની કિંમતનું વાહન કબજે કર્યું હતું.
પકડાયેલા આરોપીઓને અસલાલી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર 6 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


