GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વિરપુર તાલુકામાં મતદાર યાદીમાં એક જ વ્યક્તિના નામે ચાર એપીક કાર્ડ બન્યા
રિપોર્ટેડ બાય: રીપોર્ટર- વિપુલ જોષી, વિરપુરપ્રકાશિત :

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં મતદારયાદી સુધારણાના સરકારી દાવાઓ અને તંત્રની કામગીરી વચ્ચે તાલુકામાં એક મોટી બેદરકારી સામે આવી છે. વિરપુરના લીમરવાડા ગામની મતદાર યાદીમાં એક જ વ્યક્તિના ચાર અલગ-અલગ એપીક નંબર સાથે નામ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. વિરપુર તાલુકામાં તાજેતરમાં જ સંપન્ન થયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાદ પણ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે.
લીમરવાડા ગામના કુલદીપસિંહ પુષ્પકસિંહ રાઠોડ નામની વ્યક્તિના મતદાર યાદીમાં એક-બે નહીં પરંતુ ચાર વખત નામ નોંધાયેલા જોવા મળ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ ચારેય એન્ટ્રીમાં અલગ-અલગ એપીક (EPIC) નંબર ફાળવવામાં આવ્યા છે.આ સાથે તંત્ર દ્વારા કરવામાં આવેલા મતદારયાદી સુધારણાના દાવાઓ આ કિસ્સાથી પોકળ સાબિત થયા છે.
આ પ્રકારની ગંભીર ભુલને પગલે સમગ્ર યાદીમાં અન્ય કેટલા છબરડાં હશે ? તે અંગે તપાસની માંગ ઉઠી છે. આ બેદરકારી બદલ બીએલઓથી લઈને લાયઝન અધિકારી સુધીના તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે વિરપુર તાલુકાના મામલતદાર એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરવામાં આવશે.
