મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વિરપુર પંથકના કુંભારવાસમાં કમળાનો કહેર, 8 લોકો રોગચાળાની ઝપેટમાં

મહિસાગર જીલ્લાના વિરપુરના કુંભારવાસ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કમળાનો ગંભીર વાવર જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ મામલાની ગંભીરતાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ છતાં પંચાયતની બેદરકારીથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર, વિરપુરના કુંભારવાસમાં અત્યાર સુધીમાં કમળાના કુલ 8 જેટલા કેસ નોંધાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ વિસ્તારમાં ઠેર-ઠેર પીવાના પાણીની લાઈનોમાં મોટા પાયે લીકેજ હોવાનું સામે આવ્યું છે. આ લીકેજને કારણે પીવાના શુદ્ધ પાણીમાં ગટરના ગંદા પાણી ભળી રહ્યા છે. આ દૂષિત પાણીના વપરાશને લીધે જ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે અને આગામી દિવસોમાં રોગચાળો હજુ વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતરીને સર્વેની કામગીરી હાથ ધરી છે.
જોકે, બીજી તરફ સ્થાનિક નગરજનોમાં ગ્રામ પંચાયત પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટનામાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી જવાબદાર છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.આ અંગે ગ્રામજનોના જણાવ્યાનુસાર, કુંભારવાસની બિલકુલ નજીક ખોદાણ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી ગઈ છે, જેના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. આ પ્રદૂષિત પાણીના કારણે વિસ્તારના લોકો કમળાનો ભોગ બની રહ્યા છે. હાલમાં 3થી 4 કેસ એક્ટિવ છે, જેમાંથી એક દર્દી સારવાર હેઠળ છે જ્યારે બાકીના દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.