મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામમાં ગેરરીતિ: આગામી સમયમાં પગલાં નહીં લેવાય તો ચેમ્બર્સ દ્વારા ગામ બંધની ચીમકી ઉચ્ચારવામાં આવી

નબળી ગુણવત્તાના મટીરીયલ અને ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતો આક્ષેપ

ઉપલેટા નગરપાલિકાને આવેદન: બેદરકાર એજન્સી સામે કાર્યવાહી નહીં થાય તો કોર્ટના દ્વાર ખખડાવવા તૈયારી

ઉપલેટા શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર (અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ) પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ અને નબળી ગુણવત્તા સામે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

આવેદનમાં જણાવ્યા મુજબ, જી.યુ.ડી.સી. અને SJMMSVY યોજના હેઠળ ચાલતા આ કામમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. કામના સ્થળે કોઈ ટેકનિકલ નિષ્ણાંત કે એન્જીનીયર હાજર રહેતા નથી. ખોદાણ બાદ માટીના ઢગલા રસ્તા પર જ છોડી દેવાય છે, જેનાથી ઉડતી બારીક ધૂળને લીધે નગરજનોમાં ટી.બી. અને શરદી-ઉધરસ જેવા રોગો ફેલાવવાનો ખતરો ઉભો થયો છે. નિયમ મુજબ માટી પર પાણીનો છંટકાવ (વોટરીંગ) પણ કરવામાં આવતો નથી.

વધુમાં, આક્ષેપ કરાયો છે કે ભૂગર્ભ ગટરમાં ૩૦ વર્ષ જૂની અને હલકી ગુણવત્તાની સિરામિક (સ્ટોનવેર) પાઇપોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેને તાત્કાલિક બંધ કરી પી.વી.સી. પાઇપ નાખવાની માંગ કરાઈ છે. કલેક્શન ચેમ્બરના તળિયે નિયમાનુસાર પ્લાસ્ટર કે આર.સી.સી. કામ પણ થતું નથી અને સરકારી ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.

ચેમ્બર્સના પ્રમુખ અને એમની સાથે ઉપલેટાના પીઠ અને પ્રવૃત્તિ નાગરિક અને આગેવાનો તેમજ મીડિયા પ્રતિનિધિઓ દ્વારા આખરી ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસમાં આ બાબતે સંતોષકારક કામગીરી અને સુધારો કરવામાં નહીં આવે, તો ચેમ્બર દ્વારા 'ઉપલેટા બંધ'નું એલાન આપવામાં આવશે. આ ઉપરાંત, જાહેર હિતમાં જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે નામજોગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે.