મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે આનંદમેળાનું ભવ્ય આયોજન

તા. 28-12-2025 ના રોજ ઓરબીટ સ્માર્ટ સ્કૂલ, અટોદરા ખાતે આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં આનંદમેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક નાગરિકોની વિશાળ અને નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.   આ આનંદમેળાનું આયોજન સંચાલન મનસુખભાઈ સરખેલીયાના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સાથે જ શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકવર્ગની મહેનત અને સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.   કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે ટ્રસ્ટી નીતિનભાઈ જોધાણી, દિનેશભાઈ જોધાણી,  હંસરાજભાઈ, વસ્તરપરા,  વિનોદભાઈ મેઘાણી (તંત્રી – સુરત મિત્ર), પ. પૂ. રજનીબાપુ,  સંજયભાઈ (MIS ઓલપાડ),  ગૌતમભાઈ (ઓલપાડ પોલીસ), પાર્થભાઈ (સંચાલક – કલાકુંજ વિદ્યાલય),  મગનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.   આનંદમેળાની શરૂઆત મહેમાનઓ દ્વારા રીબીન કાપી અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, કાર્યક્રમ અંતર્ગત મેજિક શો, કઠપૂતળી શો ઉપરાંત વિવિધ શૈક્ષણિક, મનોરંજનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સૌએ ઉત્સાહપૂર્વક માણ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આનંદમેળામાં અંદાજે પચાસ જેટલા સ્ટોલ પર વિવિધ સ્વાદિષ્ટ ખાણી-પીણીની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી જ્યાં અંદાજે પાંચ હજારથી વધારે લોકોએ આનંદ મેળાનો લ્હાવો લીધો હતો. આ તમામ પ્રવૃત્તિઓમાં શિક્ષકોનું માર્ગદર્શન અને દેખરેખ નોંધપાત્ર રહી હતી.   આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વ્યવહારુ જ્ઞાન અને આત્મવિશ્વાસ વિકસાવવાનો તેમજ સમાજમાં પરસ્પર સહકાર અને સકારાત્મક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે સંચાલક મનસુખભાઈ સરખેલીયાએ આચાર્ય, સમગ્ર શિક્ષકવર્ગ, તમામ મહેમાનો, સહયોગીઓ, સ્વયંસેવકો, વાલીઓ અને ઉપસ્થિત જનસમુદાયનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.