GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટાના કોલકી રોડ પર કરોડોના ખર્ચે બનતા આઇકોનિક રોડમાં ભ્રષ્ટાચાર, સ્થાનિકોએ કામ રોકાવ્યું
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 5
ઉપલેટા શહેરના કોલકી રોડ પર નવનિર્માણ પામી રહેલા 'આઇકોનિક રોડ'ના કામમાં મોટી બેદરકારી અને નબળી ગુણવત્તા સામે આવતા રોષે ભરાયેલા જાગૃત નાગરિકોએ કામ અટકાવી દીધું છે. લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટમાં સ્ટ્રીટ લાઈટના પોલ ફિટિંગમાં ગંભીર ક્ષતિઓ જોવા મળી છે.
મુખ્ય ગેરરીતિઓ જે સામે આવી છે તેમાં નબળું ફાઉન્ડેશન છે જેમાં સ્ટ્રીટ લાઈટના થાંભલા ઊભા કરવા માટે જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યા છે તેમાં કોઈ પણ પ્રકારનું લેવલ જળવાયું નથી. કટાઈ ગયેલું મટિરિયલ છે જેમાં ફાઉન્ડેશનમાં સપોર્ટ માટે વપરાયેલા બોલ્ટ અત્યારથી જ કટાઈ ગયેલા અને નબળી હાલતમાં જોવા મળ્યા છે, જે ગમે ત્યારે તૂટી શકે તેવી સ્થિતિમાં છે. ઉપરાંત અહીંયા જૂના અને ખરાબ થાંભલા નાખવાની પણ બાબતો છે અને અહીંયા નવા રોડ માટે જે લાઈટના થાંભલા લાવવામાં આવ્યા છે, તે પણ અત્યારથી જ કટાઈ ગયેલી હાલતમાં અને અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે.
સરકાર લાખો રૂપિયા આ પ્રોજેક્ટ પાછળ ખર્ચી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સાવ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો આવા થાંભલા ફિટ કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. અહીંયા સ્થાનિકોએ અને જાગૃત નાગરિકોએ નબળું અને હલકી ગુણવત્તા વાળું થતું આ કામ રોકાવી દીધા બાદ હવે લોકોમાં ચર્ચા છે કે શું તંત્ર આ નબળા કામની તપાસ કરશે? શું જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે પછી આ નબળું કામ એમ જ ચલાવી લેવાશે?
હાલ તો જાગૃત નાગરિકોએ કામ બંધ કરાવી દીધું છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દાખવી છે. હવે જોવાનું એ રહેશે કે ઉપલેટા નગરપાલિકા કે સંબંધિત તંત્ર આ મામલે શું એક્શન લે છે કે પછી ભ્રષ્ટાચારમાં કોઈ સેટિંગ ગોઠવીને કામ ફરી ચાલુ કરવા માટે કાર્યવાહી કરી ગોઠવણ કરશે તેના પર સૌ કોઈની નજર છે.





