GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભાયાવદર પોલીસે રાજપરા ગામની સીમમાં થયેલા શંકાસ્પદ મર્ડરનો ભેદ ઉકેલ્યો, 2 આરોપીઓ ઝડપાયા
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 4
ભાયાવદર પોલીસે રાજપરા ગામની સીમમાં શંકાસ્પદ મર્ડરનો ભેદ ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ કરી હતી. માહિતી અનુસાર વિમાના ₹૫૦-૭૦ લાખ મેળવવા પુત્રે જ કાવતરું રચી કાકા પાસે પિતાનું મર્ડર કરાવ્યું હતું. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપરા ગામની સીમમાં ગત તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ બનેલા શંકાસ્પદ મરણના બનાવમાં રાજકોટ જિલ્લા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મૃતકના સગા દીકરા અને ભત્રીજાએ મળીને કાવતરું રચી યુવકની હત્યા કરી અને તેને વાહન અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આ કાવતરાનો પર્દાફાશ કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઘટનાસ્થળે પહોંચતા પોલીસને મૃતક કાનાભાઈ મેરુભાઈ જોગ (ઉ.વ.૫૦)**નો મૃતદેહ તેમના સગા ભત્રીજા વિરમભાઈ ભૂપતભાઈ જોગ દ્વારા વાડી ખાતે લાવવામાં આવેલો મળ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ મૃતકની લાશ અને ઘટનાસ્થળ પર વાહન અકસ્માત થયાના કોઈ નિશાનો ન જણાતા આ બનાવ શંકાસ્પદ જણાતા, ભાયાવદર પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, અને ધોરાજી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાયાવદર પો.ઈન્સ. વી.સી. પરમારની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં એવી હકીકત સામે આવી કે, મૃતક કાનાભાઈ જોગનું મર્ડર તેમના સગા દીકરા રામદે કાનાભાઈ જોગ (ઉ.વ.૨૫) અને ભત્રીજા વિરમભાઈ ભૂપતભાઈ જોગ (ઉ.વ.૩૯) એ મળીને કર્યું હતું. આ હત્યા પાછળનું મુખ્ય કારણ નાણાકીય હતું. આરોપી રામદેને ઇઝરાયેલ દેશમાં નોકરી માટે જવું હતું, જેનો અંદાજે ₹૧૬ લાખ જેટલો ખર્ચ થતો હતો. તેણે લગભગ એક વર્ષ પહેલાં તેના પિતાના નામે HDFC બેંકનો વીમો ઉતરાવ્યો હતો, જેમાં પિતાનું મૃત્યુ થાય તો ₹૫૦-૭૦ લાખ મળવા પાત્ર હતા. વિમાનું બીજું પ્રીમિયમ ભરવાનો સમય પણ આવી ગયો હતો. જેથી પૈસા મેળવવા માટે રામદેએ તેના પિતરાઈ ભાઈ વિરમભાઈને તેના પિતાનું મર્ડર કરવા માટે ₹૧ લાખ અને જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપી હતી. પાંચેક વર્ષ પહેલાં છૂટાછેડા થવાથી એકલા રહેતા વિરમભાઈ આ કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જે બાદ આરોપી રામદેએ તા. ૦૮/૧૨/૨૦૨૫ ના રોજ ઉંદર મારવાની અને ઇતરડી જેવી જીવાતો મારવાની દવા લાવીને આપી હતી. આરોપી વિરમભાઈએ તે દવા કાનાભાઈને બપોરના સમયે વાડીએ લઈ જઈ ઠંડા પીણા સાથે પીવડાવી હતી. જોકે,કાનાભાઈનું મૃત્યુ થયું નહોતું. આ નિષ્ફળતા બાદ રામદેએ વિરમભાઈને કુહાડી વડે પિતાને મારી નાખવા જણાવ્યું. તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ આરોપી વિરમભાઈ કાનાભાઈને મોટરસાયકલ પર ઘરેથી વાડીએ લઈ ગયા. ત્યાં તેમને દારૂ પીવડાવી વાડીની ઓરડીમાં સુવડાવી, કુહાડી વડે માથામાં ઘા મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ બંને આરોપીઓએ વાહન અકસ્માત થયો હોવાની ખોટી હકીકત પોલીસ અને અન્ય લોકોને જણાવી હતી. ભાયાવદર પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી છે.




