GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સાયખા GIDCમાં મધરાતે બોઇલર વિસ્ફોટથી પ્રચંડ ધડાકો
રિપોર્ટેડ બાય: કેતન મહેતા, ભરૂચપ્રકાશિત :
ફોટો 1 / 5
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDC વિસ્તારમાં મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ લગભગ 2.30 વાગ્યાની આસપાસ એક મોટી અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીનું બોઇલર અચાનક ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો, જેના કારણે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ ભયાનક બોઇલર બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા એક કર્મચારીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે 24 જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા, આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સ અને ઇમારતોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
દુર્ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. તુરંત જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતા જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.





