GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગરની ૩૦૦ વર્ષીય પ્રાચીન ગરબીનો પરંપરાગત રીતે ઈશ્વરવિવાહ ઊજવાયો
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
જામનગર શહેરની ખૂબ જ પ્રાચીન તથા પ્રસિદ્ધ ગરબી એટલે 'જલાની જારની ગરબી' જે ૩રર વર્ષ જુની છે અને શરૂઆતથી આજ દિવસ સુધી આ પરંપરાગત સંસ્કૃતિ જાળવી રાખવામાં આવેલ છે. આસો સુદ સાતમ, તા. ર૯-૯-ર૦રપ ને સોમવારના રાત્રિના ૧ર-૩૦ વાગ્યે કવિ દેવીદાસકૃત ઈશ્વર વિવાહનું આયોજન શરૂ થયું જેમાં 'ઈશ્વર વિવાહ' એટલે શિવશક્તિના સમન્વયનો ઉત્સવ ગણાય છે. આ ઈશ્વરવિવાહ શરૂ થાય એટલે તમામ ઉમરના પુરુષો રાતથી સવાર સુધી એક પણ ક્ષણના વિરામ વગર ૩-૩૦ કલાક સુધી સતત સ્વકંઠેથી ગાય છે અને પરંપરાગત ધોતિયા પહેરીને રમે છે. હાલની ઘોંઘાટભર્રી આધુનિક ગરબીથી તદ્દન અલગ તેમજ વર્ષોથી રમાતી આ ગરબીને આધુનિક્તાનો સ્પર્શ જરા પણ નથી થયો કેમકે આ ગરબીમાં કોઈપણ જાતના લાઉડ સ્પિકર કે અન્ય આધુનિક સંગીતના વાજીંત્રો વિના માત્ર ઢોલ-નગારા ના તાલે સ્વકંઠે ગાયને ફક્ત પુરુષો દ્વારા જ પરંપરાગત ધોતિયા પહેરીને રાસ રમવામાં આવે છે ત્યારે આ અદ્ભુત ગરબી નિહાળીને શ્રોતાગણ મંત્રમુગ્ધ થઈ જાય છે તેમજ સાક્ષાત કૈલાશમાં હોઈ એવી અનુભૂતિ થાય છે. આ ઈશ્વર વિવાહ જોવો અને ગાવો એ એક અભિન્ન લ્હાવો છે. આ ગરબીના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવે છે, એક સમયે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ કવરેજ કરવામાં આવ્યું છે. તેમજ આ ઈશ્વર-વિવાહ નિહાળવા શહેરના સાંસદ, ધારાસભ્ય, મેયર, કોર્પોરેટરો, આગેવાનો સહિત તમામ સમાજના અગ્રણીઓ અને જામનગરની તથા ગુજરાતની સમગ્ર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.





