મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ટાફનો સંગાથ અને કલાસ્મૃતિનો રંગ : 'ગરબા-રાસ તો બારેમાસ'

‘કલા સ્મૃતિ’ મોન્સુન ફેસ્ટિવલની ગુંજ હજુ હૃદયમાં ઝળહળી રહી હતી ત્યાં જ ફરીથી ‘ટાફ’ ગ્રુપના સક્રિય સહયોગથી વધુ એક અભૂતપૂર્વ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થયું 'ગરબા-રાસ તો બારેમાસ'

અમે વિચાર્યું નહોતું કે વરસાદી વાતવરણનો ભય, ભારત-પાકિસ્તાન ક્રિકેટની મોહકતા અને શહેરભરમાં ચાલી રહેલા પ્રિ-નવરાત્રિના કાર્યક્રમો વચ્ચે આ અમારા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ એટલું જ વધારે ઓડિયન્સ મળશે. પણ, માઁ અંબાની કૃપાથી જેમ જ કાર્યકમ શરું થયાની થોડીક જ ક્ષણોમાં ઓડિટોરિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ ગયું અને આખરી ક્ષણ સુધી હોલનો માહોલ ઝળહળી રહ્યો.

સાંજના આ અનોખા ઉત્સવમાં સાલ એજયુકેશન કેમ્પસનું ઓડિટોરિયમ સાક્ષી બન્યું એ પ્રાચીન રાસ-ગરબાની રસધારનું. ગરબાકિંગ ચેતન જેઠવા અને તેમના સાથી કલાકારોએ હુડો, અઠિંગો, માંડવડી, રાંદલ માનો ગરબો, ટિપણી અને અનેક પરંપરાગત શૈલીઓનું એવું ઓથેન્ટિક સ્વરૂપ રજૂ કર્યું કે જાણે સદીઓનું સંસ્કૃતિગાન જીવંત થઈ ગયું હોય. ખાસ કરીને શ્રીરામ-સીતા પર આધારિત રાસની અભિવ્યક્તિએ દર્શકોના દિલમાં ભક્તિ અને સૌંદર્યના રંગ ભરી દીધા. ગરબા અને રાસની ઉત્પત્તિથી લઈને નવરાત્રિના કાણાવાળા ગરબા સુધીની પરંપરાગત સફરનું વર્ણન એવી રસાળ ભાષામાં રજૂ થયું કે હોલમાં બેઠેલા દરેકના દિલમાં આ લોકસંસ્કૃતિ પ્રત્યે નવી પ્રેરણા જન્મી.

આ અવસરે ગુજરાતના રાજકીય-સામાજિક આગેવાનો, ફિલ્મ જગતના કલાકારો, નાટ્યવિભાગના મહાનુભાવો અને અગણિત ગરબાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને ટૂંક સમયમાં આવનારી ગુજરાતી ફિલ્મો 'રહસ્યમ' અને 'લાલો' ની ટીમે પણ આ પ્રસંગને યાદગાર બનાવી દીધો.

કાર્યક્રમને વધારે ઉત્સાહી બનાવવામાં જય વસાવડાની ઉપસ્થિતિ સોને પે સુહાગા જેવી સાબિત થઈ. પોતાના વક્તવ્યમાં તેમણે સ્વ. સ્મૃતિબેન શાહને યાદ કરતાં કહ્યું કે "નવરાત્રી એ એમનો પ્રિય તહેવાર હતો, ગરબા તો એમના જીવનનો શ્વાસ હતો. એમના વિનાની પહેલી નવરાત્રી સૂની ન લાગે, એ માટે એમના સન્માનમાં આ ઉત્સવનું આયોજન કર્યું છે." આ આયોજનમાં ટાફ ગ્રુપના તન્મય શેઠ અને તેમની સંપૂર્ણ ટીમે કલાસ્મૃતિના સેવકો સાથે ખભે ખભો મિલાવીને યજ્ઞને સફળ બનાવ્યો. ૭૦થી વધુ ટાફ સભ્યોની હાજરીએ કાર્યક્રમની ભવ્યતામાં ચાર ચાંદ લગાવ્યા.

વિશેષ આભાર ટાફ પરિવારના જ સભ્ય અને સ્વાદ ના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા રસના રેસ્ટોરન્ટના માલિક રાજમોહન મોદીનો, જેમણે ભોજનની સુંદર વ્યવસ્થા કરી. સાથે જ નેહલભાઈ શાહે આકર્ષક બેનર્સ અને સ્ટેન્ડીઓથી સમગ્ર સ્થળને નવરાત્રીના રંગોમાં રંગી દીધું.