મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ લંડનથી આવીને NRI એ ગરીબ ફેરિયાને રિક્ષા અપાવી, એક વર્ષ જૂનું વચન પાળ્યું

અમદાવાદ: કહેવાય છે કે "માનવતા હજુ જીવે છે", આ વાતને સાર્થક કરતો એક કિસ્સો અમદાવાદમાં સામ

અમદાવાદ: કહેવાય છે કે "માનવતા હજુ જીવે છે", આ વાતને સાર્થક કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. લંડન સ્થાયી થયેલા એક મૂળ ભારતીય દંપતીએ એક ગરીબ ફ્રુટ વિક્રેતાને આપેલું વચન એક વર્ષ બાદ પૂર્ણ કરીને તેને નવી નક્કોર પેસેન્જર રિક્ષા ભેટ આપી છે.

શું હતી સમગ્ર ઘટના?

વાત એક વર્ષ પહેલાની છે, જ્યારે અમદાવાદના ઈસ્કોન સર્કલ પાસે વિજયભાઈ દેવીપૂજક ફ્રુટની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ ભાગદોડમાં વિજયભાઈની લારી પણ જપ્ત કરી લેવામાં આવી હતી.

લારી જપ્ત થતા વિજયભાઈ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. આ જ સમયે લંડનથી આવેલા શૈલેષભાઈ રાજા અને તેમના પત્ની તે જ લારી પર જ્યુસ પી રહ્યા હતા. વિજયભાઈની લાચારી અને આંસુ જોઈને શૈલેષભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.

દિલાસો આપ્યો અને વચન નિભાવ્યું

શૈલેષભાઈએ તે જ સમયે વિજયભાઈને આશ્વાસન આપ્યું અને બીજા જ દિવસે નવી ફ્રુટની લારી લાવી આપી હતી. જોકે, તપાસ કરતા ખબર પડી કે ફ્રુટની લારીથી 4 સભ્યોના પરિવારનું ગુજરાન માંડ માંડ ચાલે છે. આ સાંભળી શૈલેષભાઈએ વિજયભાઈને વચન આપ્યું હતું કે, "જ્યારે હું બીજી વાર લંડનથી ભારત આવીશ, ત્યારે તને નવી પેસેન્જર રિક્ષા અપાવીશ."

રિક્ષા ભેટ મળતા પરિવાર ભાવવિભોર

શૈલેષભાઈના વચન બાદ વિજયભાઈએ રિક્ષા ચલાવતા પણ શીખી લીધું હતું. ગઈકાલે 28 જાન્યુઆરી 2026 ના રોજ, શૈલેષભાઈ રાજા ફરી અમદાવાદ આવ્યા અને પોતાનું વચન પાળીને વિજયભાઈને નવી પેસેન્જર રિક્ષા ભેટમાં આપી. નવી રિક્ષા જોઈને વિજયભાઈ અને તેમનો પરિવાર ભાવવિભોર બની ગયો હતો. આ NRI દંપતીની ઉદારતાએ સાબિત કર્યું કે સાચો ધર્મ માનવતાની સેવા જ છે.

આ સમાચાર શેર કરો