મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ચોટીલા હાઈવે પર 'જય માતાજી' હોટલ આગની લપેટમાં આવતા અફડાતફડી, ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબુ

સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલા હાઈવે પર આજે શનિવારે વહેલી સવારે આગની એક મોટ

તસવીર: gstv

સુરેન્દ્રનગર યાત્રાધામ ચોટીલા હાઈવે પર આજે શનિવારે વહેલી સવારે આગની એક મોટી ઘટના બની હતી. હાઈવે પર આવેલી 'જય માતાજી હોટલ'માં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

લોકોએ પાણીનો મારો ચલાવ્યો, પણ આગ બની વિકરાળ

વહેલી સવારે જ્યારે હોટલમાં આગ લાગી ત્યારે પ્રથમ આસપાસના લોકો અને હોટલ સ્ટાફે પોતાના સ્તરે આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. લોકોએ પાણીનો મારો ચલાવી આગને ડામવા કોશિશ કરી હતી, પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને હોટલનો મોટો હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો.

ફાયર ફાઈટરોની મદદ લેવાઈ

આગ વધુ ફેલાતા તાત્કાલિક ચોટીલા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. પાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો, જેને પગલે મોટી હોનારત ટળી હતી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન

પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટલમાં લાગેલી આ આગ પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાય છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી અને સમયસર બચાવ કામગીરી થતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ હોટલમાં રાખેલ ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો