VIDEO/ દિલ્હી IRS અધિકારીની પુત્રીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ‘ફોર-લેયર’ સિક્યુરિટી ભેદીને કેવી રીતે ઘરમાં ઘુસ્યો હત્યારો?
નવી દિલ્હી: દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં IRS અધિકારીની ૨૨ વર્ષીય પ
નવી દિલ્હી: દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં IRS અધિકારીની ૨૨ વર્ષીય પુત્રીની બળાત્કાર અને હત્યાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસ સામે ચોંકાવનારી વિગતો આવી છે. આરોપી રાહુલ મીણાએ અત્યંત હાઈ-ટેક ગણાતી 'ફોર-લેયર' (ચાર સ્તરીય) સિક્યુરિટી સિસ્ટમને માત આપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
સિક્યુરિટી કોડ અને ચાવીની હતી જાણકારી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૨૩ વર્ષીય આરોપી રાહુલ મીણા અગાઉ આ જ પરિવારમાં સહાયક તરીકે કામ કરતો હતો. આ ઘરની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હતી, જેમાં દરેક ફ્લોર પર લોક અને લિફ્ટમાં પણ પ્રતિબંધિત એન્ટ્રી હતી. યુવતી જ્યાં રોકાઈ હતી ત્યાં પહોંચવા માટે ૪ દરવાજા પસાર કરવા પડતા હતા, જેમાંથી ૩ દરવાજા ડિજિટલ પાસકોડથી ખુલતા હતા.
રાહુલ આ ઘરમાં ૮ મહિના કામ કરી ચૂક્યો હોવાથી તેને તમામ પાસકોડની ખબર હતી. જ્યારે યુવતીના માતા-પિતા જિમ ગયા હતા, ત્યારે તે છુપી રીતે રાખેલી સ્પેર ચાવી અને પાસકોડનો ઉપયોગ કરી ઘરમાં ઘુસ્યો હતો.
CCTVમાં કેદ થઈ હરકતો
તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ સવારે ૬:૨૮ વાગ્યે સોસાયટીમાં દાખલ થયો હતો. ગુનો આચર્યા બાદ તેણે લોહીવાળા કપડાં બદલી નાખ્યા હતા. સવારે ૭:૨૨ વાગ્યે જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે તેણે અલગ કપડાં પહેર્યા હતા અને તેની પાસે એક કાળો બેકપેક હતો. પોલીસનું અનુમાન છે કે તેણે ઘટનાસ્થળે જ કપડાં બદલી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મોબાઈલ ચાર્જરથી ગળું દબાવ્યું
યુવતી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હતી અને UPSCની તૈયારી કરતી હતી. જ્યારે માતા-પિતા સવારે ૮ વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે પુત્રી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આરોપીએ યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ મોબાઈલ ચાર્જરના કેબલથી તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.
ગુનાહિત ઇતિહાસ અને ધરપકડ
રાહુલ મીણાને નાણાકીય ગેરરીતિઓના કારણે ૬ અઠવાડિયા પહેલા જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. વધુમાં, દિલ્હી પોલીસને એવી પણ માહિતી મળી છે કે આ ગુનો આચરતા પહેલા મંગળવારે રાત્રે તેણે રાજસ્થાનના અલવરમાં તેની પાડોશમાં રહેતી એક મહિલા પર પણ બળાત્કાર ગુજાર્યો હતો.
દિલ્હી પોલીસે ૧૫ ટીમો બનાવીને સીસીટીવી અને ઓટોરિક્ષા ચાલકની મદદથી આરોપીને દ્વારકાની એક હોટલમાંથી ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી રહી છે.







