VIDEO: ANDARNI VAAT / છત્તીસગઢના અબુઝમાડમાં પૂરનો કહેર: બે બાળકીઓના કરૂણ મોતથી શોકનો માહોલ!
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આવેલા અબુઝમાડ પંથકમાં મુસળધ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આવેલા અબુઝમાડ પંથકમાં મુસળધાર વરસાદ બાદ આકાશી આફતે ભારે વિનાશ વેર્યો હતો. સતત વરસેલા તોફાની વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં પ્રચંડ પૂર આવ્યા હતા, જેના પાણી અબુઝમાડના આદિવાસી ગામડાઓમાં ફરી વળ્યા હતા. આ ભયાનક પૂરની ઝપેટમાં આવવાથી બે નિર્દોષ બાળકીઓના અકાળે કરૂણ મોત નિપજ્યા હતા, જેને લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. પૂરના પ્રચંડ પ્રવાહના કારણે પંથકના પચાસથી પણ વધુ કાચા અને પાકા ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા તેમજ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં સ્થાનિક ગ્રામજનોની કિંમતી ઘરવખરી, અનાજનો જથ્થો અને માલસામાન પાણીમાં તણાઈને નષ્ટ થઈ ગયો હતો, જેના કારણે અનેક આદિવાસી પરિવારો એક જ રાતમાં આશ્રયવિહોણા બની ગયા હતા.
અબુઝમાડના દુર્ગમ પહાડી અને જંગલ વિસ્તારોમાં પૂરના કારણે રસ્તાઓ ધોવાઈ જતાં અનેક ગામડાઓનો સંપર્ક તાલુકા મથકથી સંપૂર્ણપણે કપાઈ ગયો હતો. પોતાનું છત્ર ગુમાવી ચૂકેલા પીડિત પરિવારોએ સરકારી તંત્ર અને સ્થાનિક પંચાયતના સહયોગથી ઊંચાણવાળા સ્થળોએ અસ્થાયી આશરો લેવો પડ્યો હતો. પૂરની આ ભયાનક હોનારત બાદ વિસ્તારમાં પીવાના પાણી અને ખોરાકની ભારે અછત સર્જાઈ હતી. રાજ્યના વન મંત્રી અને સ્થાનિક સરપંચ સહિત વહીવટી તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી તથા પૂરપીડિતોને તાત્કાલિક રાહત સામગ્રી અને આર્થિક સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. આ કુદરતી આપદાએ અબુઝમાડના આદિવાસી જનજીવનને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યું હતું અને સ્થાનિક રહેવાસીઓને આર્થિક તેમજ માનસિક રીતે ભારે મોટો ફટકો પહોંચાડ્યો હતો.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






