VIDEO: ANDARNI VAAT / કાંગડાની બોહ ઘાટીમાં અતિભારે વરસાદમાં ૬ મકાનો જમીનદોસ્ત, તણાયા પરિવારો!
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આકાશી આફતે ભારે વિનાશ નોતર

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આકાશી આફતે ભારે વિનાશ નોતર્યો છે. બોહ ઘાટી વિસ્તારમાં અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદ અને પહાડો પરથી ધસી આવેલા પ્રચંડ જળપ્રવાહના કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે. પૂરના ધસમસતા પાણીમાં બોહ ઘાટીના છ જેટલા મકાનો સંપૂર્ણપણે તણાઈ જતાં અનેક પરિવારોએ પોતાની આજીવિકા અને આશરો ગુમાવ્યો છે. વરસાદના પ્રકોપથી પહાડી જમીન ધસી પડવાના કારણે માર્ગો સંપૂર્ણપણે તોડી પડ્યા છે, જેના લીધે બોહ ઘાટીનો સંપર્ક જિલ્લા મથકથી તૂટી ગયો છે. પૂરના પાણી સાથે આવેલા કાદવ અને પથ્થરોથી સ્થાનિક લોકોના ઘરો તેમજ ખેતરોને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાંગડાના ડેપ્યુટી કમિશનર હેમરાજ બૈરવા અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તાત્કાલિક ધોરણે પ્રભાવિત વિસ્તારમાં પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા બેઘર થયેલા પરિવારોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે અને તેમના માટે ખાદ્યસામગ્રી તેમજ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે તેમજ કાટમાળ ખસેડીને માર્ગો પુનઃ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પહાડી વિસ્તારોમાં સતત બદલાતા હવામાન વચ્ચે વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પીડિતોને આર્થિક સહાય પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






