મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / રાજૌરીમાં કૃષિ ક્રાંતિ, યુવાનોએ અપનાવી સફરજનની અલ્ટ્રા-હાઈ-ડેન્સિટી ખેતી!

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પરંપરાગત બા

તસવીર: GSTV

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પરંપરાગત બાગાયત ક્ષેત્રે એક મોટો અને સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક યુવાનો આધુનિક તકનીક આધારિત અલ્ટ્રા-હાઈ-ડેન્સિટી સફરજનની ખેતી તરફ ઝડપથી વળી રહ્યા છે. ઓછા વિસ્તારમાં વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપતી આ નવીન ખેતી પદ્ધતિ યુવા ખેડૂતો માટે આજીવિકાનો એક શ્રેષ્ઠ સ્ત્રોત સાબિત થઈ રહી છે. આ અંગે પોતાના સફળ અનુભવો શેર કરતાં રાજૌરીના પ્રગતિશીલ ખેડૂતોએ જણાવ્યું કે, આ નવી ટેકનોલોજી દ્વારા વાવવામાં આવેલા સફરજનના છોડ પર ગત વર્ષે જ પ્રથમ વખત ફળ આવ્યા હતા. ચાલુ વર્ષે જોકે ગત વર્ષની સરખામણીએ ફળોની સંખ્યા થોડી ઓછી છે, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલી માવજતના કારણે સફરજનનું કદ અને તેની ગુણવત્તા બંનેમાં બહુ મોટો સુધારો જોવા મળ્યો છે. આ આધુનિક બાગાયત પદ્ધતિએ વિસ્તારના અન્ય યુવાનોમાં પણ ખેતી પ્રત્યે નવો ઉત્સાહ જગાવ્યો છે.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, યોગ્ય સમયે ઝાડની છાંટણી  અને યોગ્ય કાળજી લેવાને કારણે આ વર્ષે સફરજન એકદમ ભરાવદાર, રસદાર અને ઉચ્ચ ગુણવત્તાવાળા તૈયાર થયા છે, જે બજારમાં ખૂબ સારા ભાવ અપાવશે. તેઓ છેલ્લા આશરે ૧૦ થી ૧૫ વર્ષથી વૃક્ષારોપણ અને બાગાયત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, પરંતુ અલ્ટ્રા-હાઈ-ડેન્સિટી પદ્ધતિથી મળેલી સફળતા અદ્ભુત છે. રાજૌરી જિલ્લાની આબોહવા સફરજનની ખેતી માટે અનુકૂળ હોવાથી, સરકાર અને કૃષિ વિભાગના સહયોગથી યુવાનો આ ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહ્યા છે. આ ટેકનોલોજીના કારણે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ ખેડૂતો બમણી કમાણી તરફ આગળ વધી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતોના આવા સફળ પ્રયોગો હવે જમ્મુ-કાશ્મીરના બાગાયત ઉદ્યોગને એક નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે અને યુવાનોને સ્વનિર્ભર બનાવી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો